ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન દ્વારા આયોજિત સૌપ્રથમ ત્રિદિવસીય ઉંમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો. એક્સપોમાં આશરે ૪૦થી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રદર્શન સ્ટોલ લગાવવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ એક્સપોના શરૂઆત કરાવ્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લિધી હતી અને ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટસ વિશે માહિતી મેળવી હતી.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના ઉદઘાટન પ્રસંગે કનુભાઈ દેસાઈએ તમામને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ઉમરગામમાં સૌપ્રથમ થઈ રહેલા એક્સપોના કારણે અનેકવિધ લોકલ ઈન્ડસ્ટ્રીયલ પોડક્ટ્સ વિશે લોકોને માહિતી મળશે તેમજ ઊદ્યોગોને પણ વેગ મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી મહત્વનું કાર્ય રોજગાર વધરવા માટે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતમાં અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોની સ્થાપના થઈ છે જેથી રોજગારીનું પ્રમાણ વધ્યું છે. ઉમરગામમાં ઉદ્યોગોના વિકાસથી લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ઉમરગામ શ્રેષ્ઠ જગ્યા છે. MSMEને કારણે અનેક લઘુ ઉદ્યોગોને ફાયદાઓ થયા છે સાથે સાથે નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે.
એક્સપોના શુભારંભ પ્રસંગે ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન ઉમરગામ તાલુકામાં અને જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદન વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી કરવામાં આવ્યું છે તેમ જણાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, ઉમરગામ ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશનના પ્રમુખ નરેશભાઈ બાંઠીયા, વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશનના પ્રમુખ સતિષ પટેલ, ઉમરગામ અને વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશના સભ્યો, ઊદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી એક્સ્પોની મુલાકાત લીધી હતી.