વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી. એચ. એન્ડ ડી. જે. સાર્વજનિક હાઈસ્કૂલ બગવાડામાં ગીતા જયંતીના પાવન પર્વ નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો વિદ્યાર્થીઓમાં ઉજાગર થાય એવા હેતુથી તેમજ શાળાના આચાર્યા અલ્પાબેન નાયકની પ્રેરણાથી દર શનિવારે ગીતા વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. ગીતા વર્ગના સંચાલક ભાવેશ ભટ્ટ દ્વારા ગીતા વર્ગનું આયોજન કરાય છે. જેના ફળ સ્વરૂપ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને બારમા અધ્યાયના શ્લોકનું ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળાના મંત્રી દિનેશભાઈ શાહ અને શાળાના આચાર્યા અલ્પાબેન નાયકના હસ્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનો સસ્વર પાઠ કરવામાં આવ્યો હતો. આ સસ્વર પાઠથી શાળામાં ભક્તિમય ભાવાવરણ બન્યું હતું. નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની યથાર્થ સમજ કેળવાય એવો હેતુ સાર્થક થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભાવેશ ભટ્ટે કર્યુ હતું.