આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો: પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ખર્ચ ઘટાડી સ્વનિર્ભર બનાવતી દેશી ગાય સહાય યોજના, વલસાડ જિલ્લામાં ૩૨૩૯ ખેડૂતોએ મેળવ્યો લાભ

ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું વિશેષ મહત્વ છે. ટૂંકમાં કહીએ તો પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના હેઠળ ખેડૂતોને દેશી ગાયના નિભાવણી ખર્ચ પેટે દર મહિને રૂ. ૯૦૦ની સહાય તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. એટલે કે, વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ની સહાય આપવાની યોજના અમલમાં છે. વલસાડ જિલ્લામાં કુલ ૩૨૩૯ ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન ૩ કરોડ ૪૯ લાખ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં ૧૭૭૧ ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે.
રાજ્ય સરકારની ગાય સહાય યોજના ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોના સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણાય છે. દેશી ગાયનો ઉછેર તેનું જનત અને સંવર્ધનની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને મદદરૂપ થવા માટે નાણાકીય સહાય પૂરી પાડી ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપે છે. જેનાથી કૃષિ ઉત્પાદકતામાં વધારો થવાની સાથે પર્યાવરણનું સંતુલન, સંરક્ષણ અને ગ્રામીણ આજીવિકામાં પણ યોગદાન આપે છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેકટના ડાયરેકટર ડી.એન.પટેલે જણાવ્યું કે, દેશી ગાય સહાય યોજના થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓમાં દેશી ગાય મૂલ્યવાન ગણાય છે. ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી ખેડૂત જાતે જ જીવામૃત, ઘન જીવામૃત, બીજા મૃત, અગ્નિ અસ્ત્ર, બ્રમાશ્ત્ર, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવી શકે છે. જેથી ખેડૂતે રાસાયણિક ખાતર પર નિર્ભર રહેવુ પડતુ નથી. ઘરે બનાવેલા આ ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે જે પર્યાવરણના સંરક્ષણમાં ફાળો આપે છે. રાજ્ય સરકારની આ નાણાકીય સહાય ખેડૂતો પરના નાણાકીય બોજને હળવો કરે છે. દેશી ગાયથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખેડૂતોની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે.

વલસાડ જિલ્લા આત્મા પ્રોજેકટના ડેપ્યુટી ડાયરેકટર વિમલભાઈ પટેલે જણાવ્યું કે, આ યોજનાનો લાભ જે ખેડૂત પાસે એક એકર જમીન હોય, દેશી ગાય હોય અને પ્રાકૃતિક ખેતી કરતો હોય તેને જ મળવા પાત્ર છે. આઈ-ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે તેના પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. વલસાડ જિલ્લામાં દેશી ગાય સહાય યોજનાનો હાલમાં ૩૨૩૯ ખેડૂતો લાભ લઈ રહ્યા છે. જેઓને વર્ષમાં બે વાર રૂ. ૫૪૦૦ના બે છ માસિક હપ્તામાં યોજનાનો લાભ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાના લાભ માટે સાત-બાર, આઠ- અ નો ઉતારો, આધાર કાર્ડ અને બેંક પાસ બુક અપલોડ કરવાની રહે છે.
આમ, આ યોજનાના લાભથી ખેડૂતોનો ખાતરનો ખર્ચ ઘટી રહ્યો છે સાથે ખેડૂતોને દર મહિને રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ પણ મળી રહી છે. સાથે જ ખેડૂતોને ગાયના દૂધથી આવક પણ મળતા ખેડૂતો સ્વનિર્ભર બની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!