વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે શરૂઆત: કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્ય વિષય પર આધારિત જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ડીસીઓ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિવિધ ક્ષેત્રે જિલ્લાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્માન આપી બિરદાવવામાં આવ્યા હતા.

ધારાસભ્યશ્રીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ કૃતિઓ નિહાળી હતી.
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી પ્રાથમિક કક્ષાની ૬૦ અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની ૬૦ વૈજ્ઞાનિક કૃતિઓ મળી કુલ ૧૨૦ શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રદર્શનની શરૂઆત કરતા વલસાડ જિલા શિક્ષણ અધિકારી ડો. રાજેશ્રી ટંડેલે પ્રદર્શનના હેતુની સ્પષ્ટતા સાથે સૌને આવકાર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી બી વસાવા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્જુનભાઈ પટેલ, બાની ઘોષ (વેલસ્પન વર્લ્ડ), જીલ્લા પ્રા. શિક્ષક સંઘ મહામંત્રી રાજેશભાઇ, ડીસીઓ હાઇસ્કુલના ટ્રસ્ટી અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, તાલુકા પ્રા.શિ.સંઘ પ્રમુખ ભરતભાઈ, તાલુકા રાષ્ટ્રિય શૈક્ષિક સંઘ પ્રમુખ શૈલેષભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે ડીસીઓ સાર્વજનિક હાઈસ્કુલની યજમાની કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે શાળાને જરૂરી સહયોગ માટે ખાતરી આપી હતી તેમજ પ્રદર્શનના સૌ આયોજકોને બિરદાવ્યા હતા. કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ સામાન્ય જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આવશ્યકતા તેમજ ટાકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ફાળાને સમજાવતું ઉદબોધન કર્યું હતું. ધારાસભ્યશ્રીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બિરદાવ્યા હતા સાથે સાથે પોતાના વિચારમાં આરોગ્ય, ખેતી દરેક જગ્યાએ વિજ્ઞાન જરૂરી હોવાનું સૂચવ્યું હતું.

ડીસીઓ સાર્વજનિક હાઈસ્કુલના આચાર્ય સુનિલભાઈ પટેલે આભારવિધિ કરી દરેકનો આભાર માન્યો હતો. તેમણે પ્રદર્શનના વિભાગનું પ્રાધાન્ય સમજાવ્યું હતું. તેમણે રજૂ થયેલી કૃતિમાંથી બાળકો સાચી સમજ મેળવે અને સફળ ભવિષ્યનું વિચારે એવો આશય દર્શાવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!