વલસાડમાં “હોમગાર્ડઝ સ્થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ: સ્વચ્છતા અભિયાન, ધ્વજવંદન, વૃક્ષારોપણ, રૂટ માર્ચ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ: વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર ૫ હોમગાર્ડઝ સભ્યોને સન્માનિત કરાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી દિવ્યાંગ જે.ભગતના માર્ગદર્શન હેઠળ જિલ્લા હોમગાર્ડઝ કચેરી તેમજ જિલ્લાની દરેક હોમગાર્ડઝ યુનિટ કચેરી ખાતે “છઠ્ઠી ડિસેમ્બર-૨૦૨૪ “હોમગાર્ડઝ સ્થાપના દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન જિલ્લા કચેરી તથા યુનિટ કચેરી ખાતે યોજાયુ હતું. જિલ્લા કમાન્ડન્ટશ્રી દિવ્યાંગ જે.ભગતના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું, જેમાં કચેરીના કર્મચારી, અધિકારીશ્રી/મહિલા- પુરૂષ હોમગાર્ડઝ સભ્યો હાજર રહ્યા હતા. કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી અંતર્ગત રૂટ માર્ચ વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા-પુરૂષ હોમગાર્ડઝ સભ્યોએ જન-જાગૃતિના બેનરો સાથે ભાગ લીધો હતો તથા જિલ્લાનાં અન્ય યુનિટોમાં પણ રૂટ માર્ચ કરવામાં આવી હતી. કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ ૫૧ માનદ હોમગાર્ડ્ઝ/એનસીઓઝ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર યુનિટનાં ૦૫ મહિલા-પુરૂષ હોમગાર્ડઝ સભ્યો/એન.સી.ઓઝને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મુખ્ય જિલ્લા કચેરીને શણગારવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!