વલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે: વાપીની પાવર ગ્રીડ કંપની દ્વારા સીએસઆર એક્ટિવીટી હેઠળ કામગીરી કરવામાં આવી: બાળકો અને સગર્ભા માતાઓને ધ્યાને લઈ વિશેષ સાધનો આપવામાં આવ્યા જેથી નિદાન થશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાપીના અંભેટી ખાતે સ્થિત પાવરગ્રીડ કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીટીલી) કાર્યક્રમ હેઠળ રૂ. ૭૬ લાખ ૨૨ હજાર ૬૭૫ના મેડિકલના સાધનો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારંભમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાધનો મળતા હરિયા અને આસપાસના ગામના દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થશે.

આ પ્રંસગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. પી. પટેલે વાપીની પાવર ગ્રીડ કંપનીના કાર્યને બિરદાવી જણાવ્યું કે, આધુનિક સુવિધા સજ્જ આ મેડિકલ ઈક્વીપમેન્ટ આસપાસના ગામના હજારો લોકોને આરોગ્યની સેવા પુરી પાડવામાં સરળતા રહેશે. આ મેડિકલ સાધનોમાં મુખ્યત્વે જોઈએ તો, બેબી રેડિયન્ટ વોર્મર જેનાથી બાળકને જન્મ બાદ કૃત્રિમ રીતે ગરમી આપી શકાશે. પરિક્ષણ ટેબલ જેનાથી સગર્ભાની તપાસ તેમજ અન્ય દર્દીઓની તપાસ સારી રીતે થઈ શકશે. બાળક અને પુખ્ત વયના દર્દીનું વજન માપવા, લંબાઈ માપવા, શરીરનું તાપમાન માપવા, દાંતની તપાસ કરવા, આંખની તપાસ માટે, હિમોગ્લોબીન તપાસ, મેલેરીયાની તપાસ, ફાઈલેરીયાની તપાસ, પાણીની કઠિનતા માપવી, લોહીની તપાસ, ઓક્સિજન સિલિન્ડર, પલ્સ ઓક્સિમીટર વેક્સિન કેરીયર અને કોલ્ડ બોક્સ સહિતના મેડિકલ સાધનો હરિયા પીએચસીને આપવામાં આવ્યા છે. જેનાથી દર્દીઓનું સારામાં સારૂ નિદાન થશે.

જિલ્લા પંચાયતના પારનેરા પારડીના સભ્ય અમ્રતભાઈ પટેલે જણાવ્યું કે, હરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કોવિડ મહામારી દરમિયાન સારી સેવા આપવામાં આવી હતી. પાવરગ્રીડ કંપનીએ આપેલા મેડિકલ સાધનોથી વધારે સારી રીતે લોકોને સેવા આપી શકાશે.

આ પ્રસંગે હરિયા ગામના સરપંચ મહેશભાઈ, અતુલના સરપંચ વિક્રમભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. કમલ ચૌધરી, હરિયા પીએચસીના મેડિકલ ઓફિસર, પાવર ગ્રીડ કંપનીના ચીફ જનરલ મેનેજર સી.ડી.કિશોર, જનરલ મેનેજર સંજીવકુમાર પાંડે અને એચઆર વિભાગના સિનિયર ડીજીએમ પ્રવિન કુમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને પીએચસીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!