ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, માર્ગ સલામતી, બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવા નીકળેલી વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરી વલસાડ જિલ્લામાં આવી પહોંચી હતી.
વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નીચે જિલ્લા પોલીસ અને જિલ્લા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વિશ્વ પદયાત્રી ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. ધરમપુર ચોકડી ખાતેથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી તેઓના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપી હતી. વલસાડ આરટીઓ કચેરીના ઈન્સ્પેક્ટર ડી. એ. પટેલે આ ટીમ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કર્યા હતા. લોક કલ્યાણ અને સરકારની યોજના વિશે જાગૃતિ ફેલાવવા નીકળેલી આ ટીમ અત્યાર સુધી વિશ્વના ૧૧ દેશોમાં ૪ લાખ ૪૮ હજાર કિમીની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરવામાં આવી છે. આ યાત્રા તા. ૩૦ જુલાઈ, ૧૯૮૦માં ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીથી અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરાઈ હતી.
ટીમના સભ્ય જિતેન્દ્ર પ્રતાપના જણાવ્યા મુજબ, અવધ બિહારી લાલના ગામમાં વર્ષો પહેલા આવેલી રેલને કારણે આખું ગામ નષ્ટ થઈ ગયું હતું. પરંતુ એક વડના ઝાડ કારણે તેમનો જીવ બચી ગયો હતો અને બસ ત્યારથી જ તેઓ આ કાર્ય સાથે જોડાઈ લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. દર વર્ષે આ ગ્રુપમાં અનેક યુવા વર્ગ જોડાઈ અન્ય લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. હાલમાં ૨૦ સભ્યોની ટીમ બની છે. આ ટીમ જૂના જમાનાની એમ્બેસેડર કારમાં વિશ્વશાંતિ અને લોક કલ્યાણનો સંદેશ ગામે ગામે પહોંચાડી રહી છે. જેને લઈને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૧૪ કરોડ ૫૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, માર્ગ સલામતી, બેટી બચાવો- બેટી પઢાવો જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ તેમજ વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. વલસાડ ખાતે થયેલી અમારુ સ્વાગત યાદગાર રહેશે. જે બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરીએ છે.