ગુજરાત એલર્ટ | વલસાડ
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય આયોજન કરાયુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં પણ આ મહોત્સવ યોજાશે. પારડી તાલુકામાં રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં પરિયા રોડ ઉપર સાંઈ દર્શન હોલ, વલસાડ તાલુકામાં નંદાવલા ખાતે મા રિસોર્ટમાં ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, વાપી તાલુકામાં લવાછા ખાતે શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ હોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકામાં ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવન હોલની બાજુના મેદાન પર ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, ધરમપુર તાલુકામાં બામટી ગામે લાલ ડુંગરી મેદાન પર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને કપરાડા તાલુકામાં કપરાડાના કોમ્યુનિટી હોલ પાસે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાશે. બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. જિલ્લાના ખેડૂત મિત્રોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.