ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૨૧ નવેમ્બરથી તા. ૪ ડિસેમ્બર ૨૦૨૪ સુધી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત અંતિમ દિવસે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં NSV (No-Scalpel Vasectomy)ના ૨૦ ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં કપરાડા તાલુકાના ૧૧, ધરમપુરના ૮ અને વાપીના ૧ લાભાર્થી મળી કુલ ૨૦ નો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે જણાવ્યું કે, એનએસવી ઓપરેશન ચીરા વિના, ટાંકા વિના અને પીડા વિના માત્ર પાંચ મીનિટમાં કરવામાં આવે છે. જે ભરોસાપાત્ર અને ખૂબ જ સરળ, શારીરિક શક્તિમાં કોઈ પણ જાતની ઉણપ કે નબળાઈ આવતી નથી સાથે સરકાર દ્વારા લાભાર્થી અને પ્રેરકને પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે.