ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ હેઠળ વાપીની મેરિલ એકેડેમી ખાતે ‘ગુરુક્રાંતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રીબેને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
માં ફાઉન્ડેશન અને મેરિલ એકેડેમી વતી અમિતભાઈએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રે સદાય સૌની સાથે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત એ જિલ્લા કલેક્ટરશ્રી નૈમૈષ દવેનો સંદેશ આપતાં પોતાના અનુભવો શેર કર્યા અને શિક્ષક અને શાળાનું જીવનમાં મહત્વ દર્શાવ્યું હતું. ભવિષ્યમાં કેવા પ્રકારના પડકારો આવશે તેના વિશે પણ વાત કરી હતી.
નેશનલ એવોર્ડ વિનર શિક્ષક રાકેશ નવા નદીસર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને ભવિષ્યમાં શાળાઓમાં કરવાના થતા ફેરફારો અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુખ્ય મુદ્દાઓ અને વિદ્યાર્થીઓના ક્રિટિકલ થિંકિંગને પ્રોત્સાહન આપવા માટે શું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શાળાના આચાર્યો સાથે કેટલીક એવી પ્રેકટીસ પણ બધા સાથે શેર કરી અને ટેક્નોલજી દ્વારા પોતાની શાળાને કેવી રીતે સૌ સામે મૂકીશું તેના પણ ઉદાહરણો આપ્યા હતા.
માં ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.રાજેશ્રીબેન ટંડેલ દ્વારા વલસાડ જિલ્લાને શૈક્ષણિક ક્ષેત્રે વધુ અગ્રેસર બનાવવાના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો અને આગળના રોડમેપ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દ્વારા વલસાડ જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરશે એવી આશા રાખવામાં આવી હતી.