ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી વલસાડ રકતદાન કેન્દ્રના ટી. આઈ. પ્રોજેક્ટ દ્વારા તા.૧ લી ડિસેમ્બરે “Take the Rights Path: My Health, My Right”ની થીમ સાથે વિવિધ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ૨૦૨૪માં ભારત સરકાર તરફથી પદ્મશ્રીનું સન્માન મેળવનાર વલસાડના ડૉ. યઝદી ઇટાલિયાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. ટાર્ગેટ ઈંટરવેન્સન (ટી.આઇ.) પ્રોજેક્ટના સ્ટાફ, પિયર એજયુકેટર, ICTC સ્ટાફ તથા આરોગ્ય ખાતાના સ્ટાફ સાથે મળી એચ.આઈ.વી. એઇડ્સના જાતીય રોગ અટકાવવાના બેનર સાથે સામાન્ય પ્રજામાં જન- જાગૃતિ લાવવા માટે રેડ રીબીન બાંધવામાં આવી હતી. અધિકારીઓ- પદાધિકારીઓ પણ સામેલ થયા હતા. પ્રોજેક્ટ સ્ટાફ દ્વારા એરિયામાં એચ.આઈ.વી.એઇડ્સ, જાતીય રોગો, એચ.આઈ.વી. ટેસ્ટીંગ તેમજ કોન્ડોમના ઉપયોગ અને સામાન્ય સ્વાસ્થ્ય માટે ધન્વંતરિ આરોગ્ય રથના સાંનિધ્યમાં મજૂર બજારમાં કેમ્પ કરી આઈ.ઈ.સી. મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
જ્યારે સાંજે ૬ કલાકે વલસાડના તિથલ બીચ ખાતે એચ.આઈ.વી. એઇડ્સથી મુત્યુ પામેલા લોકો માટે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જન-જાગૃતિ માટે તિથલ દરિયા કિનારે આવેલા પર્યટકોએ પણ આ ઉજવણીમાં જોડાયને જાતીય રોગ અંગે માહિતી મેળવી હતી.