ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઇ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં ‘‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’’ થીમ પર આયોજિત પારડી તાલુકા બી.આર.સી. કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’’ને પરિયા હાઈસ્કૂલમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન કાળમાં દેશનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. પ્રાચીન સમયમાં ભારતનું શિક્ષણ ખૂબ જ ગુણવત્તાસભર હતુ અને સમગ્ર દુનિયામાં પ્રખ્યાત હતું. જેથી હાલના શિક્ષણને સુધારવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મુકવામાં આવી છે. વર્તમાન સમયમાં ભારતને સશક્ત બનાવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને શુ લાભ થઈ શકે તે જાણવુ મહત્વનું છે. સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે આપણુ ભારત પાછળ ન પડે તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે. આવા પ્રકારના બાળ વિજ્ઞાન પ્રદર્શનથી બાળકમાં જિજ્ઞાસાવૃતિ વધે છે અને સ્પર્ધાત્મક માહોલ મળવાથી કંઈક ને કંઈક નવુ વિચારતા થાય છે.
આપણા દેશમાં સી.વી.રમન અને એ.પી.જે અબ્દુલ કલામ સહિતના અનેક મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા છે, જેઓ પણ નાનપણથી આગળ વધ્યા હતા. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલી કૃતિઓથી તેઓની કૌશલ્ય શક્તિ વધે છે.
મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરી વધુમાં જણાવ્યું કે, હાલમાં આપણો દેશ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યો છે. જેના દ્વારા મળતા અનાજથી રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી શકાય છે. આ તબક્કે તેમણે સોલાર ઊર્જા પર ભાર મુકી જણાવ્યું કે, સૂર્ય પ્રકાશમાંથી વીજળી પેદા કરી શકાય તે માટે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યુ છે જેમાં આખા દેશમાં ગુજરાત પવન ઊર્જા અને સોલાર ક્ષેત્રે નંબર વન છે. ગુજરાતના લગભગ સાત થી આઠ લાખ ઘરોમાં વીજળી પેદા થાય છે. વીજ બિલ આવતુ નથી અને વીજળી બચે તો સરકાર સામેથી પૈસા પણ આપે છે. હાલ રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં વિકાસના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે જેમાં તમામ લોકો સહભાગી બને એવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી.
આ પ્રદર્શનમાં સીઆરસી કક્ષાની શ્રેષ્ઠ કૃતિ રજૂ કરાઈ હતી. જેમાં વિભાગ – ૧ માં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા કેટેગરીમાં ૧૧ શાળાની કૃતિ, વિભાગ- ૨ માં પરિવહન અને પ્રત્યાયન કેટેગરીમાં ૧૦ સ્કૂલની કૃતિ, વિભાગ – ૩ માં કુદરતી ખેતી કેટેગરીમાં ૧૧ સ્કૂલની કૃતિઓ, વિભાગ- ૪ માં ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન કેટેગરીમાં ૧૧ સ્કૂલની કૃતિ અને વિભાગ- ૫ માં કચરાનું વ્યવસ્થાપન અને સંશાધન વ્યવસ્થાપન કેટેગરીમાં ૧૦ સ્કૂલે પોત પોતાની કૃતિ રજૂ કરી હતી. આમ, કુલ ૫૩ કૃતિ બે દિવસ માટે ખુલ્લી મુકવામાં આવી છે. આ પ્રદર્શનમાં જે બેસ્ટ કૃતિ હશે તે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરાશે.
આ પ્રસંગે પારડી બીઆરસી કો- ઓર્ડીનેટર બીપીનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી પ્રદર્શનની રૂપરેખા આપી હતી. વર્ષ ૨૦૦૫ પહેલા શિક્ષકોને જુની પેન્શન સ્કીમનો લાભ આપવા બદલ જિલ્લા અને તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું શાલ ઓઢાડી પુષ્પહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ સી પટેલ, જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી મામલતદાર કે.એમ.રાણા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી પારડી વિશાલ પટેલ, ડાયટના પ્રાચાર્ય મહેન્દ્ર આર. પટેલ, વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ અને ખડકી ગામના સરપંચ શંકરભાઈ પટેલ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન પારડીની પરિયા હાઈસ્કૂલના આચાર્ય સ્મૃતિબેન દેસાઈએ કર્યું હતું. જ્યારે આભારવિધિ બીટ નિરીક્ષક મમતાબેન ત્રિવેદીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ શિક્ષક જગદીશ પટેલ અને રણજિત પટેલે કર્યું હતું.