નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ. ૪૩.૪૨ કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું: વલસાડ જિલ્લો વિકાસની પહેલમાં હરહંમેશ સાથ આપી અગ્રેસર રહ્યો છે-મંત્રીશ્રી કનુભાઈ: ૨૪૦ મીટર લંબાઈના બ્રિજથી અંદાજિત ૩૦ હજારથી વધુ લોકોને વાહન વ્યવહારમાં રાહત થશે

ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા પંચાલત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ અને વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થતિમાં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદી ઉપર હયાત બ્રિજની જગ્યાએ રૂ.૪૩.૪૨ કરોડના ખર્ચે નવા બનનારા હાઇ લેવલ ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ બ્રિજ ૨૪ મીટરના કુલ ૧૦ ગાળા સાથે એકંદરે ૨૪૦ મીટર લંબાઈ અને ૧૫ મીટર કેરેજ-વે પહોળાઈનો બનશે. સાથે સાથે વલસાડ શહેર તરફ ૨૨૫ મીટર તેમજ નેશનલ હાઇવે તરફ ૨૦૬ મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે.

મંત્રીશ્રીએ નવા બનનારા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થશે એમ જણાવતા કહ્યું હતું કે, આ બ્રિજથી અનેક લોકોને સારી સુવિધા મળશે અને પહેલા થતી અગવડતા હવે દૂર થશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી વિકાસ પહેલ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ વિકાસ પહેલને આગળ વધાવી રહ્યા છે. વલસાડ જિલ્લાએ હરહંમેશ સાથ આપી વિકાસ પહેલમાં અગ્રેસર રહ્યો છે. વલસાડમાં અતિશય વરસાદ બાદ પણ ગામોના રસ્તાઓસારા રહ્યા છે. નેશનલ હાઈવેની પરિસ્થિતિમાં સુધારાઓ અંગે જરૂરી પગલાઓ લઈ પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ વયોવૃદ્ધોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડની જાહેરાત થતા આ યોજનાનો લાભ લેવા વૃદ્ધોને અનુરોધ કર્યો હતો. તેમજ વધુમાં વધુ લોકો આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મેળવે અને યોજનાની માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ પણ કરી હતી.

વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલ આ હયાત બ્રિજ વલસાડ તાલુકા અને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાને જોડતો અગત્યનો બ્રિજ છે. આ હયાત બ્રિજ ચોમાસામાં વધુ વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં ડૂબાઉ બનતો હોવાથી આ હયાત બ્રિજની જગ્યાએ હાઇ લેવલ ફોરલેન બ્રિજ બનશે. જેના કારણે વલસાડ અને નવસારી જિલ્લાના આશરે ૩૦ હજારથી વધુ લોકોને વાહન વ્યવહારમાં રાહત થશે.
કાર્યક્રમમાં કલેક્ટરશ્રી નૈમેષ દવે, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ. આર. જ્હા, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કલ્પનાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રંજનબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતીનભાઈ પટેલ, સંબંધિત અધિકારી – કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

લીલાપોર વલસાડને જોડતા બ્રીજ માટે રૂ.૮૦ કરોડ મંજૂર
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કાર્યક્રમમાં લીલાપોર વલસાડને જોડતા બ્રીજ માટે રૂ.૮૦ કરોડ મંજૂર થયા હોવાની જાહેરાત કરી હતી. આ બ્રીજ બનવાથી હવે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી છૂટકારો મળશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!