વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબીટીસમુક્ત ગુજરાત અભિયાન’’ હેઠળ યોગ શિબિર યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં સમગ્ર રાજ્યમાં ‘‘ડાયાબીટીસ મુક્ત ગુજરાત અભિયાન’’ ચાલી રહ્યું છે. યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ પણ રાજયના તમામ લોકોને ડાયાબીટીસના દર્દીઓ માટે દરેક જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ યોગ શિબિરમાં ભાગ લઈ ડાયાબીટીસ મુક્ત ગુજરાતના અભિયાનને સાર્થક કરવા અપીલ કરી હતી. યોગ બોર્ડના આહવાનને ઝીલી લઈ વલસાડના અબ્રામા સ્થિત રાધાકૃષ્ણ મંદિરમાં કાર્યરત રાધા યોગ શાળા દ્વારા યોગના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તેમજ આસપાસના લોકો માટે નિઃશૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગના અભ્યાસુઓએ ભાગ લીધો હતો.

ડાયાબીટીસ અંગેના આ સ્પેશિયલ સેશનમાં યોગ શાળાના સંચાલિકા તેમજ નેશનલ યોગાસનના કોચ અને ઉત્તરાખંડ યોગાસનના ગોલ્ડ મેડાલિસ્ટ રાધા પારિતોષ જોશીએ યોગ સાધકોને ડાયાબીટીસથી મુક્ત કેવી રીતે બની શકાય તે માટે નેચરોપથી હેઠળ કારેલા, કાકડી, લીમડો અને કઢી પત્તીના ઉપયોગ તેમજ રાયના તેલથી પગને કેવી રીતે મસાજ કરવા, ક્યા ક્યા એક્યુપ્રેશર પોઈન્ટ શરીરના વિવિધ ભાગો પર કયા અને કેવી રીતે દબાવવા તે અંગે પણ પ્રેકટીકલ માહિતી આપી હતી. આ સિવાય ડાયાબીટીસના દર્દીઓ તેમજ તંદુરસ્ત લોકોએ પણ ડાયાબીટીસથી બચવા માટે કયા કયા આસનો અને પ્રાણાયામ કરવા તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી આસનો કરાવ્યા હતા.

આ સિવાય આહારમાં શું લેવુ જોઈએ અને શું ન લેવુ જોઈએ જેથી ડાયાબીટીસ કંટ્રોલમાં રાખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય ક્લેપિંગ થેરાપી પણ કરાવવામાં આવી હતી. સેશન પૂર્ણ થયા બાદ યોગના સાધકોએ પણ પોતાના પ્રતિભાવો આપી ડાયાબીટીસ અંગેના આ સ્પેશિયલ સેશનને બિરદાવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!