ગુજરાત એલર્ટ | વલસાડ
તા. 26/10/2024 ના રોજ પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર – ધરમપુર ખાતે વર્ષ 2022 થી 2024 દરમિયાન છ માસ, એક વર્ષ અને બે વર્ષની તાલીમ લેનાર તાલીમાર્થીઓનો “કૌશલ દીક્ષાંત સમારંભ” યોજવામાં આવ્યો. દરેક તાલીમાર્થીને સફળતાથી તાલીમ પૂર્ણ કર્યા બાદ NCVT કક્ષાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થાય છે જેના આધારે તેઓ આગળ ઉજ્વળ કારકિર્દીનું ઘડતર કરી શકે છે. તીથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપદાસ સ્વામી અને પૂજ્ય નંદકિશોર સ્વામી તથા K. PATEL PHYTO EXTRACTIONS PVT. LTD. ના ડાયરેક્ટર પરિમલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ઈલેક્ટ્રિશન, વાયરમેન અને ફીટર ટ્રેડના 2 વર્ષના તાલીમાર્થીઓ તથા કોપા, સુઈંગ ટેક્નોલૉજી, વેલ્ડર અને ડેટા એન્ટ્રી ટ્રેડના એક વર્ષના તાલીમાર્થીઓ મળીને 280 જેટલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના આચાર્ય દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જુદા જુદા ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા PSVTCમાં અને હોસ્ટેલમાં રહીને સંસ્કાર સાથે તાલીમનો પોતાનો સ્વાનુભવ રજૂ કરવામાં આવ્યો હતો. K. PATEL PHYTO EXTRACTION PVT. LTD ના ડાયરેક્ટર પરિમલ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ તીથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપદાસ સ્વામીએ આશીર્વાદમાં સંસ્થા દ્વારા મળેલા સંસ્કારો જાળવી રાખી જીવનમાં પ્રગતિ કરવાં અને આગળ વધવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમારંભના અંતે સંસ્થાના ફોરમેન દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન કરી સૌએ વિદાય લીધી હતી.