વલસાડ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી ખેડૂતો પાસેથી થશે: ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભ પાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમ્યાન કરાશે: રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ. ક્વિન્ટલ રૂ.૩૦૦/- નું બોનસ આપવામાં આવશે

ગુજરાત એલર્ટ | વલસાડ
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે. ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભપાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ.૩૦૦/- નું બોનસ આપવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોય આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડુતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.
નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!