ગુજરાત એલર્ટ | વલસાડ
આજેરોજ શરદપૂર્ણિમાના અવસરે BAPS તિથલ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ ઉપક્રમે એક પદયાત્રાનું આયોજન થયું હતું. જેમાં તિથલ મંદિરની નીચે આવતા તમામ સત્સંગ કેન્દ્રોથી હરિભક્તો પગપાળા આ અક્ષરપૂર્ણિમા ભરવા ભક્તિભાવથી પધાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ દર્શન મુજબ અક્ષરબ્રહ્મ એટલે કે ભગવાનના ઉત્તમ ભક્ત અને ભક્ત અને ભગવાનની જોડ એવા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો આજે ૨૩૮મો પ્રાગટ્ય દિન હતો. આવા પરમ પવિત્ર દિવસે હરિભક્તો દૂરસુદૂરથી ભજન-ભક્તિના તાલે ભક્તિમય રીતે પગપાળા યાત્રા કરી તિથલ મંદિરે અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન આશીર્વાદ લેવા પધાર્યા હતા. આજે તિથલ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને તમામ મૂર્તિઓને વાધા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.સૌનો અનેરો ઉત્સાહ રજત જયંતિ મહોત્સવને પ્રસંગે જોવા મળ્યો હતો સૌ આ રજત જયંતી મહોત્સવના ભવ્ય નગરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહોત્સવને વલસાડની અંદર ઉજવવા હરિભક્તો થનગની રહ્યા છે અને ડિસેમ્બર તારીખ 15 થી તારીખ 25 સુધી આ મહોત્સવ તિથલ દરિયા કાંઠે આવેલા પામ બીચ રિસોર્ટની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આકાર લેશે. જેમાં સમર્પણ અને નિષ્ઠાની વેદી પર રચાયેલા આ તીથલ મંદિરની ગાથા, બાળનગરી, પ્રેરણાદાયી પ્રદર્શનો, મનમોહક લેન્ડસ્કેપ, વિશ્વ શાંતિ મહાયાગ, મહા રક્તદાન, સમૂહલગ્ન, વ્યસનમુકિત, મહિલા દિન, નગરયાત્રા વગેરે વિવિધ કાર્યક્રમો યોજાશે. એની રૂપરેખા પણ આ પૂનમની સભામાં પધારેલ હરિભક્તોને આપવામાં આવી હતી.
પદયાત્રાથી પધારી હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ત્યારબાદ પૂનમની મુખ્ય સભાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. કોસંબા અને વલસાડના યુવકોએ સંવાદ અને નૃત્યથી ગુણાતીતનો મહિમા અને ગુણનું ગાન કર્યું હતું. તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામી હરિભક્તોને પ્રસંગોચિત કથાવાર્તા કરી ગુણાતીતના વારસદાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ગુણોનું ગાન કરી આ નયનરમ્ય તિથલ મંદિરની ભેટ વલસાડના તમામ હરિભક્તોને કૃપાએ કરીને આપી છે એવી વાત જણાવી હતી. વધુ એમણે જણાવ્યું હતું કે આ મહોત્સવ આપણી આધ્યાત્મિકતામાં વધારો કરશે વલસાડના સમગ્ર પંથકને વિવિધ પ્રેરણાઓ પ્રાપ્ત થશે.
આ પૂનમની સભામાં ૨૫૦૦થી વધારે હરિભક્તો પગપાળા અને ૬૦૦૦થી વધારે હરિભક્તોએ પૂનમની મુખ્યસભામાં લાભ લીધો હતો. અંતમાં સૌ હરિભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજની પુષ્પતુલા કરી ધન્યતા અને કૃતાર્થપણાનો અનુભવ કર્યો હતો.