પુસ્તક પરબ વલસાડ દ્વારા વનદેવી કન્યા છાત્રાલય પીંડવળમાં 151 પુસ્તકો થકી લાયબ્રેરી ઉભી કરાઇ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના લોકોના પુસ્તક વાંચનરસને પોષવા માટે પુસ્તક પરબ વલસાડ દર મહિનાના પ્રથમ રવિવારે બે જાહેર સ્થળોએ પરબ યોજી રહી છે.
પુસ્તક પરબ વલસાડ દ્વારા ધરમપુરના અંતરિયાળ વિસ્તારના પીંડવડ ગામે આવેલી વનદેવી કન્યા છાત્રાલયમાં એક લાયબ્રેરી ઉભી કરી અપાઇ છે. પુસ્તક પરબ દ્વારા આ છાત્રાલયમાં 151 પુસ્તકો ભેટ અપાયા છે.
માતૃભૂમિ કેન્દ્ર વલસાડ દ્વારા પ્રેરિત આ સંસ્થાના શ્રી રમેશભાઈ ફૂલેત્રાના સહકારથી આ કાર્યક્રમ યોજાયો. ગૃહમાતા પ્રિયંકાબેનની આ કાર્યક્રમ માટે મદદ મળી હતી.
આ પુસ્તકોની ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ અભ્યાસના પુસ્તકો સાથે ઈતર વાંચન કરે એ માટે પૂરાં પાડવામાં આવ્યા.
વલસાડ પુસ્તક પરબના પ્રણેતા એવા પ્રા. ડૉ .આશા ગોહિલે આ છાત્રાલયમાં પુસ્તકાલય શરૂ કરવાના પ્રસંગે વિદ્યાર્થીનીઓને જણાવ્યું કે, પુસ્તક વાંચન જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. જીવનના દરેક તબક્કે પુસ્તક તમને સાથ આપશે, માર્ગ ચીંધશે. તેમજ તેમણે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસક્રમના પુસ્તકો તો ખરાં જ ,પરંતુ દુનિયાની માહિતી આપતા અનેક વિષયના પુસ્તકો વાંચવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પુસ્તક પરબના એડવોકેટ હાર્દિકભાઇ પટેલે વિદ્યાર્થીનીઓને પુસ્તકો વાંચી ઉચ્ચ કારકિર્દી માટે પ્રેરિત કર્યા હતા. વિવિધ પુસ્તકોના વધુ ને વધુ વાંચન થકી સમાજમાં તેમનું સ્તર કેવી રીતે ઉપર આવશે એ અંગે સમજ આપી હતી.

આ પ્રસંગે પુસ્તક પરબ ગ્રૂપના જયંતીભાઈ મિસ્ત્રી, અર્ચનાબેન ચૌહાણ અને હિતેશભાઇ પટેલે વ્યવહારુ ઉદાહરણ થકી પુસ્તકો અને શિક્ષણનું મહત્વ ખૂબ સરસ રીતે સમજાવ્યું. શ્રી અપૂર્વ પારેખે પુસ્તકો આપણા જીવનને બદલે છે પુસ્તકોના વાંચનથી વિશ્વમાં ક્રાંતિ આવી છે. એવા અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણ થકી એમની વાત કહી.
આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરો પાડનારો બની રહ્યો.
ધરમપુરના પીંડવળ ગામે ચાલતા આ આશ્રમમાં પુસ્તકાલય ઉભું કરવા માટે માતૃભૂમિ સેવા કેન્દ્ર અને ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય તેમજ પુસ્તક પરબના સભ્ય એવા જયંતિભાઇ મિસ્ત્રીએ વિચાર રજૂ કર્યો હતો. જેને પુસ્તક પરબ ગ્રૂપના સુનિતાબેન ઢીમર, દિલીપભાઈ દેસાઈ, ડૉ.વિલ્સન મેકવાન, જગદીશ આહીર તથા અન્ય સભ્યોએ સાકાર કર્યો હતો. પુસ્તક પરબ વલસાડ દ્વારા આ અગાઉ બોપીમાં આવી નાનકડી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!