ગુજરાત એલર્ટ | વલસાડ
લોકોની સમસ્યાઓ માટે સતત ઝઝુમતા ચોથી જાગીરનાં પત્રકારો માટે વલસાડમાં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં પત્રકારોએ લાભ લીધો હતો.
સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પારડીના ડો. કુરેશીના માર્ગદર્શન હેઠળ વલસાડનાં ઝેનીથ ડોક્ટર હાઉસમાં તા. 9 અને 10 ઓગસ્ટના રોજ વલસાડ શહેરના પત્રકારો માટે વિનામૂલ્યે બ્લડ અને બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડાયાબિટીસ, હૃદયરોગ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પ્લેટલેટ કાઉન્ટ, હિમોગ્લોબીન, બ્લડપ્રેશર, કિડની, લીવર સહિતના તમામ પ્રકારના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાન, નાક, ગળા તથા દાંતની પણ ચકાસણી કરવામાં આવી હતી.
મીડિયાકર્મીઓ માટેનાં આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર ભરતભાઈ દેસાઈનાં સંચાલન હેઠળ ફિઝિશિયન ડો. કેઇસ ખાન, સર્જન ડો. નીપુલ ગાંધી, ઇએનટી અને કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ધ્રુમિલ સરકાર, ડેન્ટિસ્ટ ડો. કુંજન સરકાર, પેથોલોજીસ્ટ ડો. પુનમ પટેલ સહિત હોસ્પિટલની સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી હતી.
આ કેમ્પમાં વલસાડનાં 35 થી વધુ પત્રકારોએ લાભ લીધો હતો. પત્રકારોએ આ કેમ્પનું આયોજન કરવા બદલ હોસ્પિટલનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સાથે જ ડો.કુરેશી દ્વારા સમયની અનુકૂળતા ન થવાને લીધે જે પણ પત્રકારો કેમ્પમાં આવી શક્યા નથી તેમના માટે તા.20મી પછી ચોક્કસ તારીખે એક દિવસ માટે ફરીથી આ કેમ્પનું આયોજન કરવાનું જણાવ્યું હતું.