વલસાડના ફલધરા ગામના યુવા ખેડૂતે પરંપરાગત ખેતી છોડી સરકારની યોજનાથી આધુનિક ખેતીમાં ડગ માંડ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
ખેતી દ્વારા દેશનું અર્થતંત્ર મજબૂત બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પરંપરાગત ખેતી છોડી નવા આધુનિક સાધનોથી સજ્જ થઈ ખેતી કરે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેની વિવિધ યોજનાનો લાભ લઈ ખેડૂતો આધુનિક ખેતી કરી બમણી કમાણી કરી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે વલસાડ તાલુકાના ફલધરા ગામના રાકેશ રમણભાઈ પટેલ. જેમણે સરકારી યોજનાનો લાભ લઈ પહેલા રોટાવેટર અને ત્યારબાદ હવે મીની ટ્રેક્ટર પણ ખરીદ્યુ છે. તેમના થકી અન્ય યુવા ખેડૂતોને પણ પ્રેરણા મળી છે.

વલસાડ તાલુકાના ફલધરા ગામમાં દેસાઈ ફળિયા ખાતે રહેતા ખેડૂત રાકેશ પટેલ પાસે ૧૦ વીંઘા જમીન છે પરંતુ તેમની પાસે ખેતી માટે આધુનિક સાધનો ન હતા. તેઓ પરંપરાગત માધ્યમથી ખેતી કરતા આવ્યા હતા. જેના કારણે તેમના પૈસાનો અને સમયનો પણ ભારે વ્યય થતો હતો. પરંતુ સરકારી યોજનાનો લાભ મેળવવાથી તેમની દિશા અને દશા બંને બદલાયા છે. જે અંગે તેઓ કહે છે કે, ખેતી કામમાં જમીનનું ખેડાણ કરવું હોય, કચરાની સફાઈ કરવી હોય, જમીનનું લેવલિંગ કરવુ હોય, ચોમાસામાં કાદવ પાડવો હોય કે જંતુનાશક દવાનો છંટકાવ કરવો હોય તો પહેલા મારે ભાડેથી સાધન મંગાવવુ પડતું હતું. જેના એક કલાકના ભાડા તરીકે રૂ. ૧ હજાર ચૂકવવા પડતા હતા. આ સિવાય ભાડેના સાધન આવતા ચાર પાંચ દિવસનો સમય નીકળી જાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોવાથી સમય પણ બગડતો હતો. એક દિવસે હું વોટ્સ અપ પર સ્ટેટસ જોતો હતો ત્યારે આદિજાતિ કચેરીમાં ફરજ બજાવતા રાકેશભાઈનું વોટ્સઅપ સ્ટેટસ જોયુ હતું. જેમાં તેમણે રોટાવેટર ખરીદવા માટેની યોજના વિશે માહિતી મુકી હતી. જેથી તેમનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી આદિજાતિ વિકાસ વિભાગના ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ)માં રોટાવેટર ખરીદવા માટે ઓનલાઈન અરજી કરી હતી. એક મહિનામાં જ મારી અરજી મંજૂર થતા રૂ. ૧,૨૨,૦૦૦ ના ખર્ચે રોટાવેટર ખરીદ્યુ હતું, જેમાં રૂ. ૬૦,૦૦૦ની સબસિડી મળી હતી. ત્યારબાદ મીની ટ્રેકટર ખરીદી યોજના વિશે માહિતી મળતા તેની ખરીદી માટે પણ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ઓનલાઈન અરજી કરતા તે મંજૂર થઈ હતી. જેથી રૂ. પાંચ લાખના ખર્ચે મીની ટ્રેકટર પણ ખરીદ્યું છે. જેમાં રૂ. ૯૦ હજારની સબસિડી મળશે, હેવ મારી પાસે રોટાવેટર અને મીની ટ્રેકટર હોવાથી પહેલા મને ભાડેથી સાધન લાવવા માટે રૂ. દોઢ થી બે લાખનો ખર્ચ થતો હતો તે પૈસા હવે બચત થાય છે. માત્ર ડિઝલનો ખર્ચ કાઢવો પડે છે. ખેતીવાડીમાં મારી પત્ની જયશ્રીબેન અને માતા ગીતાબેન પણ મદદરૂપ થાય છે. પરિવારના સહયોગથી ખેતીવાડી થતા જીવનમાં પણ બદલાવ આવ્યો છે અને આર્થિક સધ્ધરતા પણ વધી છે. જે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનુ છું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!