કપરાડાના શાહુડા ગામની સરકારી માધ્યમિક શાળામાં સાકાર રીડિંગ કોર્નર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ શાહુડા ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા પાર્થ ટ્રેડર્સ વાપીના સૌજન્યથી ધરમપુરના રેઈન્બો વોરિયર્સ તથા માધ્યમિક શાળા શાહુડા સંચાલિત સાકાર રીડિંગ કોર્નરનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષક ડૉ. બિપીનભાઈ પટેલ, માલનપાડા મોડેલ સ્કૂલના આચાર્યા ડૉ. વર્ષાબેન પટેલ તથા જિલ્લા તિજોરી કચેરીના નિમેષભાઈ ગાંવિત અને ગામના સરપંચ ચુનીલાલ ચૌધરીના હસ્તે ઉદઘાટન કરાયુ હતું.
શાળાના આચાર્ય મુકેશભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. Rainbow warrior’s dharampurના કો. ઓર્ડિનેટર શંકરભાઈ પટેલે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સામાજિક ઉત્થાનના કર્યોની સમજ આપી હતી. તેમણે સાકાર રીડિંગ કોર્નરના સહયોગી દાતા પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા તથા કીર્તિભાઈ આહીરના યોગદાનને બિરદાવ્યું હતું. સાકાર રીડિંગ કોર્નર શરૂ કરવા માટે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ૪ ટેબલ, ૨ કબાટ, પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો, કીર્તિભાઈ આહીર ધરમપુર તરફથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો આપવામાં આવ્યા હતા. Rainbow warrior’s dharampurની અનોખી પરંપરા મુજબ ગત વર્ષે ધો. ૧૦ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. વર્ષાબેન પટેલે સાકાર રીડિંગ કોર્નર શાળાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ બનશે એમ જણાવ્યું હતું. ડૉ. બિપીન પટેલે સાકાર રીડિંગ કોર્નર શરૂ કરવા માટે શાળાના પ્રયત્નોને બિરદાવી કહ્યું કે, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન મળશે. શિક્ષણથી જ સમાજનો વિકાસ શક્ય છે. ગામના અન્ય વિદ્યાર્થીઓને પણ સાકાર રીડિંગ કોર્નરનો લાભ લેવા જણાવ્યું હતું. નિમેશભાઈ ગાંવિતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ડૉ. વીરેન્દ્ર ગરાસિયા (ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક), મહેશભાઈ ગરાસિયા (આરટીઓ કચેરી, વલસાડ), જયંતિભાઈ પટેલ (શીતળ છાંયડો લાઇબ્રેરી, નગારિયા) જયેશભાઈ પટેલ, મિતેશ પટેલ (લાઇબ્રેરી સંચાલક), શિક્ષક પરિમલ દલવી, ગ્રામ પંચાયત શાહૂડા અને કરજુનાના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે માધ્યમિક શાળા શાહૂડાના આચાર્ય મુકેશભાઈ ચૌધરી તથા શાળા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન શાહુડા માધ્યમિક શાળાના આચાર્ય, શાળા પરિવાર તથા Rainbow warrior’s dharampur કો. ઑર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!