ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહનની અધ્યક્ષતામાં તેમજ કલેક્ટર અનસુયા જ્હાની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાની સમીક્ષા બેઠક જિલ્લાના ધારાસભ્યો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સચિવશ્રીએ સમીક્ષા બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં સીએમ ડેશબોર્ડ, જમીન સંપાદન, સ્વાગત કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને હાલની પરિસ્થિતિ, વાપી મહાનગર પાલિકા સંબંધિત કામગીરી, સમાજ સુરક્ષા, ડિજિટલ ગુજરાત, પીએમ જનમન, વન અધિકાર અધિનિયમ – ૨૦૦૬, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આરોગ્ય સહિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમાજ કલ્યાણ વિભાગ હેઠળ વૃદ્ધ સહાય અને વિધવા પેન્શન સહાયમાં સમગ્ર જિલ્લામાં કરેલી કામગીરી અને નોંધાયેલા લાભાર્થીઓની જાણકારી મેળવી વધુમા વધુ લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયાસ કરવા સૂચન કર્યું હતું. જમીન સંપાદનની હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ જનમન હેઠળ છેવાડાના લોકોને આવરી લઈ કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરી સ્થળ તપાસ કરી દરેક લાભાર્થીઓ સુધી જરૂરિયાતના કામો વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વધુમાં જિલ્લામાં હાલની વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી સચિવશ્રીએ જિલ્લા ડિઝાસ્ટર વિભાગને પરિસ્થિતિને અનુરૂપ પહોંચી વળવા તૈયાર રહેવા જણાવ્યું હતું તેમજ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જાનહાનિ અને માનહાનિને અટકાવવા સમયસર સ્થળાંતર અને આગમચેતી આપવાની સિસ્ટમ વિશે માહિતી મેળવી હતી. દરેક તાલુકાઓમાં બચાવ કાર્ય માટે તરવૈયાઓ અને વોલેન્ટિયર્સની જાણકારી મેળવી ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
ચાંદીપુરા વાયરસ અંગે જિલ્લાની પરિસ્થિતિની જાણકારી મેળવી આરોગ્ય વિભાગ દ્વારા હાઈ ગ્રેડ ફિવર કેસોનું ડેઈલી મોનિટરિંગ કરવા જણાવ્યું હતું. હાઈ ગ્રેડ ફિવર અને ચાંદીપુરાના શંકાસ્પદ કિસ્સાઓમાં દર્દીને તરત જ હાયર મેડિકલ ફેસિલીટીમાં રિફર કરવા, ડેઈલી મોનિટરીંગની સુવ્યવ્સ્થિત કામગીરી કરવા, ટ્રાઈબલ વિસ્તારો અને બીજા સંબંધિત વિસ્તારોમાં સફાઈ કામગીરી, દવા છંટકાવની કામગીરી સમયસર પૂર્ણ કરવા, કામગીરીમાં ગામોના તલાટી સાથે સંકલન સાધવા તેમજ સીડીએચઓને બાળકોના રોજિંદા હેલ્થ મોનિટરિંગ કરી ડેટા એકત્ર કરી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કાર્ય કરવા સૂચના આપી હતી.
સચિવશ્રીએ દરેક ધારાસભ્યોના પ્રશ્નો અને રજૂઆતો અંગે સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી જન ઉપયોગી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ઉમરગામ, કપરાડા, ધરમપુર અને વલસાડ ધારાસભ્યો સર્વશ્રી રમણલાલ પાટકર, જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ, કલેક્ટર અનસુયા જ્હા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.