ગુજરાત એલર્ટ | વલસાડ
વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રભારી સચિવશ્રી IAS રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં જિલ્લામાં થઈ રહેલા વરસાદમાં વહીવટી તંત્રની કામગીરી ઉપરોક્ત જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકૌપયોગી કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં દરેક તાલુકામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવ, રસ્તાઓના ઓવર ટોપિંગ, ડૂબાઉ કોઝવે, રસ્તાઓની પરિસ્થિતિ, સ્થળાંતર, બચાવ કામગીરી, રસ્તા રિપેરિંગ અને પેચવર્ક, હાઈવેની પરિસ્થિતિ, આરોગ્યલક્ષી કામગીરી, દરિયા ધોવાણ અંગે પ્રોટેક્શન વોલ કામગીરી, વગેરે બાબતોએ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી જે સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાંઓ લેવા મંત્રીશ્રી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
બેઠકમાં પ્રાંત અધિકારીઓએ દરેક તાલુકામાં વરસાદની સ્થિતિ, વરસાદને કારણે ઓવર ટોપિંગ થતા રસ્તાઓ અને કોઝવે, બંધ રસ્તાઓના વૈકલ્પિક રસ્તાઓ, મધુબન ડેમની હાલની સ્થિતિ અને તબક્કાવાર પાણી છોડવામાં આવે તો જે ગામોને અસર થતી હોય ત્યાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. અત્યાર સુધીના વરસાદને કારણે જિલ્લામાં કોઈ મોટું નુકશાન થયું નથી. ઔરંગા નદીમાં વરસાદ અને ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે ૧૫૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ પૂરની પૂર્વ જાણકારી માટે ઈ-મેઘ સિસ્ટમ કાર્યરત છે. જેથી સાયરન દ્વારા પૂરની પરિસ્થિતિને પહેલેથી જ પહોંચી વળવા તંત્ર સક્ષમ છે એમ ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું.
ધારાસભ્યોએ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓનું રિપેરિંગ અને પેચવર્કનું કામ લોકોને તકલીફ ન પડે તેથી વહેલી તકે કરવા, ધરમપુર અને કપરાડામાં ઓવર ટોપિંગને કારણે કોઝવે બંધ થતા શાળાએ જતા બાળકોને તકલીફ પડતી હોવાથી સમસ્યાનો ઉકેલ લાવવા, ઉમરગામમાં ડેમના પાણી છોડવાને કારણે ૬ ગામોને અસર થાય છે ત્યાં ૯ જેટલા નાળા બાંધકામની, ધરમપુરમાંથી પસાર થતા શામળાજી હાઈવે નં-૫૬ની બિસ્માર પરિસ્થિતિની, વલસાડના દાંડી-દાંતી ખાતે ભરતીને કારણે દરિયા કિનારાના ધોવાણ અટકાવવા અને રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાતું અટકાવવા પ્રોટેક્શન વોલના બાંધકામની ત્વરિત શરૂઆત કરવા અને હાલ ઘરોમાં પાણી જતા અટકાવવા કામચલાઉ દીવાલ બનાવવાની કામગીરી કરવા બાબતે મંત્રીશ્રીને રજૂઆત કરી હતી.
મંત્રીશ્રીએ દરેક રજૂઆતોને સાંભળી વહીવટી તંત્રને અગત્યના પ્રજાલક્ષી કામોને અગ્રીમતા આપવા સૂચના આપી હતી. આરોગ્યલક્ષી કામગીરી માટે આરોગ્ય વિભાગને મોનિટરિંગ કરવા અને ડિઝાસ્ટર વિભાગને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા સૂચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ઉમરગામ, કપરાડા, ધરમપુર અને વલસાડ ધારાસભ્યો સર્વશ્રી રમણલાલ પાટકર, જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ, કલેક્ટર અનસુયા જ્હા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.