રશિયામાં આયોજિત બ્રિક્સ(BRICS) યુથ સમિટમાં વાપીની એન્ટરપ્રિન્યોર યુતિ ગજરેની પસંદગી

ગુજરાત એલર્ટ | વલસાડ
રશિયાના ઉલ્યાનોવસ્ક (Ulyanovsk) શહેરમાં આયોજિત બ્રિક્સ ૨૦૨૪ યુથ સમિટમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ૧૫ સદસ્યોની પસંદગી ભારત સરકારના રમત-ગમત અને યુવા કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના વાપીની ઉદ્યોગસાહસિક યુવતીની પણ પસંદગી કરાઈ છે. આ ૧૫ સભ્યોનું ભારતીય પ્રતિનિધિ મંડળ રશિયા પહોંચી ચુક્યું છે.

વાપી શહેરમાં ચલા ખાતે મુક્તાનંદ માર્ગ પર આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતી અને એન્જિનિયરની ડિગ્રી ધરાવતી યુતિ પ્રદીપભાઈ ગજરે છેલ્લા ૧૦ વર્ષથી યુવાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય રીતે કાર્યરત છે. ખાસ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- NEP 2020 અમલમાં આવી ત્યારે અનેક રાજ્યોમાં ગેરસમજ ફેલાઈ હતી ત્યારે યુતિ ગજરેએ ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેઓને સમજ આપી હતી. આ સિવાય ઉદ્યોગ સાહસિક અંગે વિવિધ વિષયો ઉપર પણ ચર્ચા કરે છે. વાપીની યુતિ ગજરેએ એન્ટરપ્રિન્યોર તરીકે સોલાર એનર્જીના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. ત્યારે આ સમિટીમાં તેઓ ભારતની નવી શિક્ષણ નીતિ અને સોલાર એનર્જી ઉપર પોતાના વિચારો રજૂ કરશે. સાથે જ આ યુથ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર યુવા નીતિ, ટેકનોલોજી, ખેલ અને સ્વાસ્થ્ય જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર નિર્ણય લેવામાં આવશે.
તા. ૨૨ થી ૨૬ જુલાઈ સુધી આયોજિત આ સમિટમાં બ્રિક્સ દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિક્સ દેશોના યુવા કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગઠનની આ યુથ સમિટમાં દેશભરના ૧૫ યુવાનોમાં વલસાડના વાપીની યુતિ ગજરેની પસંદગી વલસાડ જિલ્લો અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!