ગુજરાત એલર્ટ | વલસાડ
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની “GROW MORE FRUIT CROP” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના બાગાયતદારો માટે ફળપાક વાવેતરની વિવિધ યોજનાઓમાં સહાયનો લાભ મેળવવા માટે i-KHEDUT પોર્ટલ તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. બાગાયત ખાતાની ફળપાક વાવેતરને લગતી વિવિધ કાર્યરત યોજનાઓ પૈકી પપૈયાનાં વાવેતરમાં, નાળિયેરી વાવેતર વિસ્તાર, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, ફળપાકો જેવાકે દ્રાક્ષ, કીવી, પેશન ફ્રુટનાં વાવેતર, ફળપાક પ્લાનટીગ મટીરીયલસમાં, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાક વાવેતર માટે, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક વાવેતર, કમલમ ફળ(ડ્રેગન ફ્રુટ)નાં વાવતેર, સરગવાની ખેતીમાં, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવામાં, કેળ ટીસ્યુ વાવેતર, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલસમાં (વનબંધુ), કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ જેવી યોજનાઓ અંતર્ગત સહાય મળવાપાત્ર છે.
આ તમામ યોજનાઓમાં સહાય લાભ લેવા માટે ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઈ સંબંધિત ઘટકમાં અરજી કરવાની રહેશે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે દિન (૧૦)માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક સામેની ગલીમાં, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦૧ ખાતે અચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામક વલસાડ દ્વારા અખબાર યાદીમાં જણાવાયું છે.