ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડનાં અતુલમાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે “સમાવેશ” સ્પેશિયલ ચાઈલ્ડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર માનસિક મંદતા, બોલવાની સમસ્યા, અતિ ચંચળતા, ઓટીઝમ, ભણવાની સહિતની સમસ્યાઓ ધરાવતાં બાળકોને થેરાપી આપી ઉકેલ લવાશે.
વલસાડનાં અતુલ ખાતે રુદ્રાક્ષ બિઝનેસ સેન્ટરમાં પહેલા માળે “સમાવેશ” સ્પેશિયલ ચાઈલ્ડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વાપી વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ બાળકો માટેના આ થેરાપી સેન્ટરની વલસાડ જિલ્લામાં જરૂરિયાત હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું. આ સેન્ટર શરૂ થવાને કારણે વિશિષ્ટ બાળકોને બોલવાની ટેક્નિક, સ્પેશિયલ એજ્યુકેશન, અતિ ચંચળતા સહિતના કિસ્સાઓમાં મદદરૂપ થશે.
આ સેન્ટરના સંચાલક નેહા કરકશિયાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર શરૂ થયું છે. જે બીજા બધા બાળકો કરતા અલગ તરી આવતા મંદ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સ્પેશિયલ ટ્રેનિંગ મેળવી આ ખાસ બાળકો માટે અમે કામ કરીશું. માનસિક મંદતા, બોલવાની સમસ્યા, અતિ ચંચળતા, ઓટીઝમની સમસ્યા, ભણવાની સમસ્યા એવી અનેક સમસ્યાઓ કે જેમાં બાળકો સામાન્ય બાળકો કરતાં અલગ વર્તન કરી વાલીઓનું સાંભળતા ન હોય તેવા બાળકોને અમે બહેતર બનાવીશું.