ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ શહેરના સુગડ ફળિયામાં રહેતો અને જીમ કરતો 32 વર્ષીય યુવાન રવિવારે રાત્રે ઘરમાં જ ઢળી પડતા મોત નીપજ્યું હતું. આ યુવાનને હાર્ટએટેક આવ્યો હોવાનું અનુમાન લગાવાયું છે.
મળતી વિગતો મુજબ વલસાડ અબ્રામાની કેમિકલ કંપનીમાં નોકરી કરતો વલસાડ શહેરના સુગડ ફળિયાના 32 વર્ષીય ભાવિન દિલીપ પટેલ રવિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ઘરમાં જ ઢળી પડ્યો હતો. ભાવિનની તબિયત લથડતા તેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબે તેને ચેક કરી મૃત જાહેર કર્યો હતો. ભાવિનને હાર્ટએટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
ભાવિન અબ્રામાની કેમિકલ કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરતો હતો. ભાવિનનાં પિતાનું પણ અગાઉ અવસાન થયું હતું. પુત્રને પણ કાળ લઈ જતા ભાવિનના માતાના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.