ગુજરાત એલર્ટ | વલસાડ
શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગ દ્વારા રવિવારે વલસાડ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ધરમપુર ચોકડી ખાતે ઉત્તમ ગુણથી ઉતીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો (તેજસ્વી તારલા) નો સન્માન સમારંભ કથાકાર શરદભાઈ વ્યાસ (દાદા), ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઇ શુક્લ, પૂર્વ પ્રિન્સિપાલ બી. એન. જોષી, હિંમતભાઇ જોષી (દહાણુ) તથા અનેક અગ્રગણ્ય ભાગવત કથાકારોની હાજરીમાં કરાયું હતું. સમાજના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાનીએ જણાવ્યું હતું કે 43 તેજસ્વી તારલામાં 7 તબીબ, એમબીએ, યુનિવર્સિટી ગોલ્ડ મેડલ તથા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનોએ હાજરી આપી ભોજન લીધુ હતું. આવતાં વર્ષે વધુમાં વધુ તેજસ્વી તારલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગના પ્રમુખ અને ભાગવત કથાકાર દેવુભાઇ જોશી, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાની, મંત્રી ગીરીશ જાની, સહમંત્રી વિષ્ણુ જાની, ખજાનચી અનિલભાઇ, સહખજાનચી નિલેશભાઇ વાળાંગર (વાંસદા) તથા સહકમિટિની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાનીએ વાર્ષિક હિસાબોનું વાંચન કરી સમાજ ઉપયોગી માહિતી રજુ કરી હતી.
આ પ્રસંગે ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે ભૂદેવોના બાળકો માટે વધુ અભ્યાસ માટે વિદ્યા નિધિ ફંડ સમાજે કરવું જોઈએ. બ્રાહ્મણનો બાળક વિશ્વને ખૂણે ખૂણે પહોંચવો જોઈએ. જયારે ધરમપુરના શરદભાઇ વ્યાસે જણાવ્યું હતું કે અનેક સમસ્યાઓ રહેલી છે, પરંતુ શિક્ષણ દરેક સમસ્યાનો ઉકેલ છે. વલસાડના બિલ્ડર કાળુભાઇ આહીરનું બ્રહમસમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ વિજય દવેએ કરી હતી. શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ વલસાડ વિભાગની કારોબારી કમિટિએ હાજર ભુદેવોનો આભાર માન્યો હતો.