ડાંગ જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર: રાસાયણીક ખાતરના ઉપયોગ કરતાં પ્રાકૃતિક ખેતીમાં બમણો ફાયદો થાય છે- પ્રગતીશીલ ખેડુત સુકીરાવભાઈ

ગુજરાત એલર્ટ | આહવા
રાજ્યમા ડાંગ જિલ્લાના ખેડુતો સૌથી ઓછો રાસાયણીક ખાતરનો વપરાશ કરે છે. જ્યારે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ માત્ર શાકભાજીના પાકમા, અને તે પણ જ્યા શાકભાજીના રોકડીયા પાક લેવામા આવે છે તેમા જ થાય છે. જેનો કુલ વિસ્તાર ૫૦૦ હેક્ટરથી વધુ નથી. આ સીવાય કોઇપણ પાકમા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. જેનુ મુખ્ય કારણ અહિનુ પ્રાકૃતિક હવામાન છે.
આમ, ડાગ જિલ્લો મહદઅંશે પ્રાકૃતિક જિલ્લો જ છે, અને અહિના ખેડુતો ધીમે – ધીમે મક્કમતાથી સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યા છે.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ચિખલી ગામના પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રગતીશીલ ખેડુત સુકીરાવભાઈ લાહનુંભાઈ ગાયકવાડ પ્રાકૃતિક ખેતી અપનાવી બમણી આવક મેળવી રહ્યાં છે.

સુકીરાવભાઈ જણાવે છે કે, શરૂઆતમાં તેઓ દેશી બિયારણનો ઉપયોગ કરી ચીલાચાલુ પધ્ધતીથી વાવેતર કરતા હતા. જેમાં તેઓનુ ઉત્પાદન ઓછુ આવતુ હતુ. જે બાદ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા. જ્યાં પ્રેરણા પ્રવાસ કર્યા તેમજ જુદી જુદી તાલીમ લઈ નાગલીની ખેતી કરવા અંગેની જાણકારી મેળવી, અને તે પ્રમાણે ખેતી કરતાં થયા. આ ઉપરાંત વૈજ્ઞાનિકોના માર્ગદર્શન દ્વારા અંતર પ્રમાણે વાવેતર કરવાથી ઉત્પાદનમાં વધારો થયો છે.

પ્રગતીશીલ ખેડુત સુકીરાવભાઇ પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે જણાવે છે કે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીના પાકમાં રોગ જીવાત તથા જીવાતનો ઉપદ્રવ થાય તો પાક નિષ્ફળ જવાની તેમજ ઉત્પાદન ઓછું મળતા નુકસાન થવાની તેઓને બીક હતી. પરંતુ આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા તાલીમ મેળવી પ્રાકૃતીક ખેતીના પાંચ સ્તંભ આધારીત ખેતીની શરૂઆત કરી. જેમાં સૌ પ્રથમ ડાંગરના દેશી બિયારણમાં લાલ કડા, કૃષ્ણ કમોદ, બ્લેક રાઈસ વગેરે દેશી બિયારણનો ઉપયોગ કરી ખેતીની શરૂઆત કરી, અને સારા પાક ઉત્પાદનની સાથે સારી આવક પ્રાપ્ત થઇ છે.
પહેલાં રાસાયણીક ખેતી પધ્ધતીથી કરતી ખેતી દ્વારા તેઓની જમીન કઠણ બની ગઇ હતી. જેનાંથી ખેડાણ કરવામાં પણ ખુબ સમય જતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યાં બાદ, પ્રાકૃતીક ખેતીમાં બીજ વાવણી વખતે બીજામૃતનો પટ આપી વાવણી કર્યા બાદ પાયામાં જીવામૃત અને ઘનજીવામૃતનો પટ આપ્યો, તથા રોગ જીવાતમાં જંતુનાશક અસ્ત્રો તથા મીક્ષ પાકના વાવેતર કરી મલચીગ કર્યું, અને જમીનમાં સુધારો થવા લાગ્યો છે.

પ્રાકૃતિક ખેતી પધ્ધતી શરૂ કર્યા બાદ જમીનમાં અળસિયાનો વધારો જોવા મળ્યો છે. જમીનની નિતાર શક્તિ વધી છે. જેથી હવે લાંબા સમય સુધી જમીનમાં ભેજનો સંગ્રહ જોવા મળે છે. તેમજ પાકની ગુણવત્તામાં પણ વધારો થયો છે.
સુકીરાવભાઇ પ્રાકૃતિક ખેતીમાં સૌ પ્રથમ ખરીફ ઋતુમાં દેશી બિયારણોમાં ડાંગર જેમાં આંબામોર, દેશી કોલમ, ફૂટિયા, ઇન્દ્રાણી તેમજ રવિ ઋતુમાં શાકભાજી પાક ચણા, અને આંબા કલમ તથા માછલી પાલન કરી આવક મેળવી રહ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં તેઓના અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક ખેતીના પાકોથી રૂપિયા એક લાખ દસ હજરાની આવક પ્રાપ્ત થઇ છે.
અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુકીરાવભાઇએ પોતાના ખેતરમાં મોડલ ફાર્મ બનાવ્યું છે. અહિં અલગ અલગ સંસ્થાઓમાંથી ખેડૂતો મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી રહ્યા છે.
આમ, પ્રાકૃતિક ખેતીમાં ખૂબ ઓછો ખર્ચ કરીને વધુ આવક મેળવી શકાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ પ્રગતીશીલ ખેડુત શ્રી સુકીરાવભાઇ પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક અભીગમ અપનાવી અન્યો ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!