ધરમપુર આઈ.ટી.આઈ. ખાતે તા. ૩૦ જૂન સુધી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન થઈ શકશે

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્યની વિવિધ આઈ.ટી.આઈ. માં પ્રવેશસત્ર ઓગષ્ટ- ૨૦૨૪ માટે વિવિધ કોર્સમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે પૈકી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે દશેરા પાટીમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૪માં વિવિધ કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. ૩૦ જૂન સુધી થઈ શકશે. તાલીમાર્થીઓ સફળતાપૂર્વક આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કરી સર્ટીફીકેટ મેળવી સરકારી નોકરી અને ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે છે અથવા તો પોતાનો ધંધો સ્થાપી અન્યને રોજગાર પણ પૂરો પાડી શકે છે. આ ઉપરાંત આઈ.ટી.આઈ.ના સર્ટીફીકેટ આધારે વિદેશમાં પણ સારી નોકરીની તકો રહેલી છે.
કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનામાં જોડાવા માટે આઈ.ટી.આઈ. કરેલા તાલીમાર્થીને વધારાના માર્ક્સ અપાય છે. ધો- ૧૦ પછી ૨ વર્ષનો કોર્સ કરેલ તાલીમાર્થીઓ ધોરણ-૧૨ ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધો-૧૨ પાસ સમકક્ષ સર્ટીફીકેટ મેળવી શકે છે. તાલીમાર્થીઓ પર ભણતરનો ભાર ન વધે તેવા હેતુથી આવક મર્યાદાને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા માસિક સ્ટાઇપેન્ડ ચુકવાય છે. સમાજ કલ્યાણ કચેરી દ્વારા શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તાલીમાર્થીઓ પ્લેસમેન્ટ તથા એપ્રેન્ટિસ યોજનાનો પણ લાભ લઇ શકે છે.
પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો ધરમપુર આઈ. ટી. આઈ.ની રૂબરૂ મુલાકાત લઈ ફ્રી માં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી રૂ.૫૦/- ચુકવવાની રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો જાતે પણ gujarat.gov.in વેબસાઈટ પર જઈ પ્રવેશ ફોર્મ ભરી શકશે. વિવિધ કોર્સમાં ઉમેદવારો ઓનલાઈન મેરીટના આધારે પ્રવેશ મેળવી શકશે. ધરમપુર આઈ.ટી.આઈ. ખાતે ધોરણ ૮, ૯, ૧૦/૧૨ પાસ નાપાસ વિદ્યાર્થીઓ ફિટર, ઇલેક્ટ્રીશ્યન, વાયરમેન, મિકેનિક ડીઝલ, સોલાર ટેકનીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર (કોપા), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઈન્ટેનન્સ, ટુ-વ્હીલર ઓટો રીપેરર, આર્મેચર મોટર રીવાઈન્ડીંગ, સ્યુઇન્ગ ટેકનોલોજી (સિવણ), ડ્રોન પાઈલોટ,વેલ્ડર, ઇલેકટ્રોનિકસ મિકેનિક જેવા વ્યવસાયલક્ષી કોર્ષ માં પ્રવેશ મેળવી રોજગારી મેળવી શકશે.

ધરમપુર આઈ. ટી. આઈ.માં ઉપલબ્ધ વિવિધ કોર્સની વિગત
1. તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા ધો.૮ પાસ માટે ૧ વર્ષના કોર્સમાં આર્મેચર મોટર રીવાઈન્ડીંગ/કોઈલ વાઈન્ડર, વેલ્ડર, સ્યુઇન્ગ ટેકનોલોજી (સિવણ), ટુ-વ્હીલર ઓટો રીપેરર
2. તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા ધો.૮ પાસ માટે ૨ વર્ષના કોર્સમાં વાયરમેન
3. ધો.૧૦ પાસ માટે ૧ વર્ષના કોર્સમાં કમ્પ્યુટર ઓપેરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (કોપા), મીકેનીક ડીઝલ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઈન્ટેનન્સ,સોલાર ટેકનીશીયન, ઓફસેટ પ્રિન્ટર્સ એન્ડ પેકેજર્સ.
4. ધો.૧૦ પાસ માટે ૨ વર્ષના કોર્સમાં ઈલેકટ્રીશ્યન, ફીટર, ઈલેકટ્રોનીકસ મીકેનીક.
5. ધો.૧૦ પાસ માટે ૬ મહિનાના કોર્સમાં ડ્રોન પાઈલોટ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!