ગુજરાત એલર્ટ । વલસાડ
ભીમના પૌત્ર એટલે કે ગટુરગચ્છનાં પુત્ર બળીયાદેવ પાસે બલી માંગતા તેમણે પોતાનું માથું ધડથી અલગ કરી દીધું હતું. પરિણામે ભગવાને તેમને વરદાન આપ્યું હતું કે તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરશે તેને તમામ રોગોમાંથી મુક્તિ મળશે. આ શ્રદ્ધા સાથે વલસાડનાં મૂળી ગામે આવેલાં શ્રી બળીયાદેવ મંદિરે લોકો પૂજા અર્ચના કરી પોતાનાં બાળકોનાં રોગો દૂર કરે છે.
વલસાડ તાલુકાનાં મુળી ગામે આવેલા શ્રી બળિયાદેવ મંદિર નવનિર્માણના લાભાર્થે યોજાનારી કથાકાર શરદભાઈ વ્યાસની ભાગવત કથા અંગે માહિતી આપવાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રૂપેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બળિયાદેવ પ્રગતિ મંડળ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 4 કરોડના ખર્ચે મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે દાતાઓ આગળ આવી સહયોગ આપે તે જરૂરી છે.
કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કથાનો શુભ આરંભ 27 મેથી થનાર છે. અને પૂર્ણાહુતિ 2 જી જૂનના રોજ થનાર છે ત્યારે ગ્રામવાસીઓ તેમજ આસપાસના ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કથાના પ્રારંભ પહેલાથી જ ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આવનાર તમામ ભક્તો માટે અધતન મંડપનું ભવ્ય આયોજન રૂપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે કથાના વિરામ બાદ દરરોજ મહાપ્રસાદનું આયોજન દાતા કાળુભાઇ આહિર અને ભરતભાઈ મેર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનો મોટી સંખ્યામાં વલસાડ તાલુકાના તમામ ભાવિકભક્તોને લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કથાના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના નાણામંત્રી તેમજ પેટ્રોકેમિક્સ મંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે.
બળીયાદેવ પ્રગતિ મંડળના પ્રમુખ જયેશભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ ધમડાચી, સંજયભાઈ ઠાકોર કોચવાડા, સરપંચ શિલ્પાબેન હળપતિ, અન્ય આગેવાનો સહિત પ્રગતિ મંડળની સમગ્ર ટીમ કથાનુ સફળ આયોજન માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે.