ગુજરાત એલર્ટ । વલસાડ
રાજકોટ શહેરમાં નનામવા મેઈન રોડ પર સયાજી હોટલ પાસે આવેલા ટી.આર.પી. મોલના ગેમિંગ ઝોનમાં આકસ્મિક આગ લાગવાની દુઃખદ ઘટનામાં બાળકો સહિત કુલ ૨૪ લોકોના કરૂણ મૃત્યુ નિપજતા સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઇ વલસાડ જિલ્લામાં પણ જિલ્લા મેજિસ્ટ્રેટ -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષપદે કમિટી બનાવી સંબધિત વિભાગના અધિકારીઓની ટીમે જિલ્લામાં કાર્યરત ગેમિંગ ઝોન અને આનંદ મેળાઓમાં ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરી હતી.
સંબંધિત તકનિકી વિભાગના અધિકારીઓ દ્વારા રાઈડ્સ કમિટી સાથે જિલ્લામાં ચાલી રહેલા મેળા અને ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી મેઝર્સ, બિલ્ડીંગ કોડ્સ, ઇલેક્ટ્રિક રેગ્યુલેશન્સ અને SOP સંબંધિત જોગવાઈઓ મુજબ સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર એનઓસી, ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા ઉપલબ્ધ છે? ગેમિંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સહિતની ચકાસણી હાથ ધરાઈ હતી.
વલસાડ જિલ્લામાં ચાર સ્થળે ચાલી રહેલા આનંદ મેળા/હંગામી પ્રિમાઇસીસની તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડ સીબી હાઈસ્કૂલ મેદાન, અવસર પાર્ટી પ્લોટ, ધરમપુરમાં દરબાર કમ્પાઉન્ડ અને વાપીમાં ચલા દમણ રોડ પર મેળાનો સમાવેશ થાય છે.
આ સિવાય જિલ્લામાં કાર્યરત સાત ગેમિંગ ઝોનમાં પણ તપાસ કરાઈ હતી જે તમામ હાલ બંધ હાલતમાં છે. જેમાં (૧) કિડ્સ વંડરલેન્ડ, શાંતિ કોમ્પલેક્ષ, આસોપાલવ રોડ, વાપી,(૨) રેમ્બો કિડ્સ ઝોન, સોનારસ બિલ્ડીંગ, કોપરલી ચાર રસ્તા, (૩) ક્રેઝી કિડ્સ ગેમ ઝોન, દિશા એપાર્ટમેન્ટ, ચલા રોડ, વાપી, (૪) ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટ, રોલા, વલસાડ, (૫) અવધ ઉટોપિયા, ટુકવાડા ટોલપ્લાઝની બાજુમાં, વાપી, (૬) બંબલ બી- કોફી કલ્ચર, ધરમપુર રોડ, વલસાડ અને (૭) ક્રિઝલેન્ડ- એમ સ્કવેર મોલ, તીથલ જકાતનાકા પાસે, વલસાડનો સમાવેશ થાય છે.