ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ શહેરમાં ધોમધખતા તાપમાં જનતાની સેવા કરનારા ટ્રાફિક પોલીસ કર્મીઓ, હોમ ગાર્ડસ અને ટીઆરબીના જવાનોને વલસાડ શહેરના સેવાભાવી પ્રજ્ઞેશ પાંડે તેમજ તેમના પત્ની અને લાયન્સ ક્લબ ઓફ ભીલાડ આરાધનાના સેક્રેટરી મેઘા પાંડે અને ડીસી લાયન્સ સોનલ દેસાઈ દ્વારા ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ઉનાળાની આગઝરતી ગરમીમાં પણ લોકોને મુશ્કેલી ના પડે તે માટે ટ્રાફિક પોલીસકર્મીઓ, હોમગાર્ડસ અને ટીઆરબીના જવાનો આખો દિવસ ઉભા રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. એમનાં થકી જ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે છે આવા પોલીસ જવાનોને ગરમીના કારણે ડીહાઈડ્રેશન ન થાય અને એમનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે વલસાડના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા 300 જેટલા ORS પેકેટનું આજરોજ વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. એમની આ સેવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી આવી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ઇન્ચાર્જ સિટી પી.આઈ. ભાવિકભાઈ જીતિયા તેમજ પોલીસ જવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.