ગુજરાત એલર્ટ । વલસાડ
લોકશાહીનો મહાઉત્સવ હરકોઈ માટે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનેરો અવસર છે. ત્યારે આજે મતદાનના દિવસે ઠેક ઠેકાણે મતદારોનો ગજબ ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ શહેરના રામજી ટેકરા ખાતે વૈકુંઠ એપાર્ટમેન્ટમાં રહેતા ૮૪ વર્ષીય હીરાબેન જયસુખલાલ દોશી છેલ્લા ૮ વર્ષથી બીમારીના કારણે પોતાના ઘરમાંથી તો ઠીક પરંતુ પોતાના રૂમમાંથી પણ બહાર નીકળી શકતા ન હતા. પરંતુ આજે લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતદાન કરવા માટે જુસ્સાભેર પોતાના રૂમમાંથી બહાર નીકળતા તેમના પરિવારના સભ્યો તેમજ પડોશીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમના પરિવારજનોએ કહ્યું કે, બા એ અચાનર આજે સવારે સામે ચાલીને અમને કહ્યું કે, મને મતદાન કરવા માટે લઈ જાવો. જેથી અમે તેમને મતદાન માટે લઈ આવ્યા હતા. તેમણે અમને બધાને પણ મતાધિકારનું મહત્વ સમજાવી અવશ્ય મતદાન કરવા માટે શીખ આપી હતી.