ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં મતદાતાઓને લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. જેમકે જિલ્લાના કુલ ૨૦૦૬ મતદાન મથકોમાંથી ૪૯ પિંક મતદાન મથકો, પાંચ PWD દ્વારા સંચાલિત, ત્રણ યુવા સંચાલિત અને પાંચ ગ્રીન ઈકોફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા હતા. આ મતદાન મથકો ખાતે દરેક મહિલા અધિકારીઓએ પિંક(ગુલાબી) રંગના વસ્ત્રો પહેરી ફરજ નિભાવી હતી. જ્યારે દરેક પિંક મતદાન મથકોને ગુલાબી ફુગ્ગાઓ, ગુલાબી મંડપ અને સેલ્ફી સ્ટેન્ડથી શણગારવામાં આવ્યા હતા.
પિંક મતદાન મથકની સમગ્ર કામગીરી ફક્ત મહિલા અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી હતી. આ પિંક મતદાન મથકમાં પ્રિસાઈડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને બીજા પોલિંગ ઓફિસર ફક્ત મહિલા અધિકારીઓએ જ ફરજ બજાવી હતી.
સાથે સાથે પિંક મતદાન મથકનું લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં દરેક મતદાન મથકો પૈકી કુલ ૬૮૦ મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવી હતી.