ગુજરાત એલર્ટ । વલસાડ
મૂળ વલસાડના તીથલ રોડના વતની અને છેલ્લા ૨૫ વર્ષોથી સન્યાસ લેનાર મહા નિર્વાણી અખાડાના સાધુ મહંત સ્વામી દિવ્યાનંદગીરી દેશભરમાં ભ્રમણ કરતા હોય છે પરંતુ જ્યારે પણ ચૂંટણી હોઈ ત્યારે દેશના ગમે તે ખૂણે હોઈ પણ મતદાન કરવા માટે અચૂક પોતાના વતન વલસાડ આવે છે. આજે પણ તેઓ જમ્મુ કાશ્મીરના રાજોરીથી દેશના નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવા માટે ૧૮૩૦ કિમી દૂરથી ૩૨ કલાકની મુસાફરી કરી ૨૬ – વલસાડ સંસદીય બેઠક પર મતદાન કરવા આવ્યા છે. દેશ પ્રત્યેની તેમની કર્તવ્યનિષ્ઠા અને ફરજ આજે અનેક મતદારો માટે પ્રેરણારૂપ બની છે.
વલસાડ શહેરની આરજેજે સ્કૂલ ખાતે સવારમાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી સ્વામી દિવ્યાનંદગીરીએ જણાવ્યું કે, ૪૫ વર્ષમાં અત્યાર સુધીમાં જ્યારે પણ ચૂંટણી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે હું અવશ્ય મતદાન કરવા વલસાડ આવું છું. એક પણ ચૂંટણી એવી નથી ગઈ કે જેમાં મેં મતદાન કર્યું ન હોઈ. દરેક ભારતીય નાગરિકની ફરજ છે કે પોતાનો દેશ દુનિયામાં સર્વ શ્રેષ્ઠ બને એ માટે લોકતંત્રને મજબૂત બનાવવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. લોકશાહીમાં મતદાન દ્વારા યોગ્ય સરકારને ચૂંટવાનો અવસર મળે છે. લોકશાહીનો આ સૌથી મોટા ઉત્સવ છે, ઉત્સવનો અર્થ થાય છે કે, શક્તિનું પ્રાગટય. આપણે એવી મજબૂત સરકારનું ચયન કરીએ જે પાંચ વર્ષ બહુમત સાથે આપના દેશનો વિકાસ કરે, નાગરિકોના જીવન ધોરણમાં સુધારો કરે, નાગરિકોની સુરક્ષાનું કર્તવ્ય નિભાવે અને નીતિ નિયમોનું પાલન કરે અને કરાવે તેમજ દેશને શક્તિશાળી બનાવે એ માટે દરેક નાગરિકે મત આપવો આવશ્યક છે.