ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનાર મતદાન માટે જિલ્લામાં ઉભા કરવામાં આવેલા ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી વિવિધ ટીમો સુરક્ષા બંદોબસ્ત સાથે ઈ.વી.એમ. અને વી.વી.પેટ લઈ રવાના થઈ હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે આવતીકાલે તા. ૦૭ મે મંગળવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. ત્યારે આજે તા. ૬ મે ના રોજ ૨૬- વલસાડ સંસદીય બેઠક પર સાત વિધાનસભા સીટ પ્રમાણે તૈયાર કરાયેલા ડિસ્પેચીંગ અને રિસિવિંગ સેન્ટર ઉપરથી કુલ ૨૦૦૬ મતદાન મથક માટે ૧૧૫૭૫ પોલિંગ સ્ટાફના કર્મચારીઓ ૨૫૦૬ ઈ.વી.એમ અને ૨૭૦૭ વી.વી.પેટ કીટ, જરૂરી સાહિત્ય અને ચૂંટણીલક્ષી સાધન સામગ્રી સાથે ચૂંટણી પંચની ગાઇડ લાઇન અનુસાર તેમને ફાળવેલા નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી.
૨૬- વલસાડની સાત બેઠક પર ૧૭૮- ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા, બામટી, ૧૭૯- વલસાડમાં બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, ૧૮૦- પારડીમાં ને.હા.નં. ૮ પર સ્થિત પ્રાઈમરી સ્કૂલ કુમાર અને કન્યા શાળા, ૧૮૧- કપરાડામાં ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, ૧૮૨- ઉમરગામમાં એમ.એમ.હાઈસ્કૂલ, ૧૭૩- ડાંગમાં ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, આહવા અને ૧૭૭- વાંસદામાં ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હનુમાનબારી ખાતે તૈયાર કરાયેલા રિસિવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટર પર મેળાવડો જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં જે તે બેઠકના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો દ્વારા ચૂંટણી ફરજમાં રવાના થનાર કર્મયોગીઓને લોકશાહીનો મહાપર્વ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ફાળવાયેલા બુથ સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસ.ટી બસ અને અન્ય ખાનગી વાહનોની ફાળવણી કરવામાં આવી હતી. આ વાહનો દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્રના રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી સ્ટાફને બુથ પર પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.