ગુજરાત એલર્ટ । આહવા
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.
ભારતના ચૂંટણી આયોગના આદેશ અનુસાર મતદાન પુરૂ થવા માટેના નિયત સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા ઠરાવેલ છે. વધુમાં ઉમેદવારો તેમના ચૂંટણી મતવિસ્તાર બહારના સમર્થકોને ચૂંટણી પ્રચાર માટે એકત્ર કરી કામે લગાડે છે. પરંતુ પ્રચારનો સમયગાળો પુરો થયા પછી મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર થઇ શકે નહિ એ હકીકતને ધ્યાનમાં લેતા રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય, અને જેઓ મતદાર વિભાગના મતદાર ન હોય, તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહે તો ચૂંટણી ન્યાયી અને મુક્ત રીતે થવા ઉપર અસર પડે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.ચૌઘરી દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે દર્શાવ્યા મુજબના હુકમ કરવામાં આવ્યા છે.
(૧) મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયમાં ચૂંટણી પ્રચાર કરવા ઉપર અને,
(૨) પ્રચારનો સમયગાળો પુરો થયા પછી રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય, અને જેઓ મતદાર વિભાગના મતદાર ન હોય, તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ, પરંતુ
(૧)ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ ૫ (પાચ) વ્યકિત જઈ શકશે.
(ર)ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/નેતાઓ જેના પર પક્ષનુ પ્રતિક હોય તેવી ટોપી/મફલર પહેરી શકશે, પરંતુ બેનર પ્રદર્શીત કરી શકશે નહી.
(૩)ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬ હેઠળ પ્રતિબંધિત ચૂંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે સંસદ સભ્યો અને ધારાસભ્ય તેઓ જે મત વિભાગમાંથી ચૂંટાયેલા હોય તે મત વિભાગમાં રોકાઈ શકશે.
સમગ્ર ડાંગ જિલ્લા સહિત સાપુતારા વિસ્તારમાં આ જાહેરનામું લાગુ પડશે.
આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂઘ્ઘ ફરીયાદ કરવા માટે અઘિકૃત કરવામાં આવેલ છે.
આ જાહેરનામું લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તારીખ ૭/૫/૨૦૨૪ના રોજ મતદાન પુરુ થવા માટે નિયત સમય સાથે પુરા થતાં ૪૮ કલાક દરમિયાન તથા જો પુન:મતદાન યોજવાનું થાય તો તે દિવસે પણ અમલમાં રહેશે.