ગુજરાત એલર્ટ । વલસાડ
ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ ઝળહળતું કરનાર અને ૬૦ ટકા બ્લાઈન્ડનેસ ધરાવતા વલસાડના ધરમપુરના ખેલાડી અને રાજ્ય સ્તરે ફૂટબોલમાં વલસાડ જિલ્લાનું નામ રોશન કરનાર ૧૦૦ ટકા બ્લાઈડનેસ ધરાવનાર ખેલાડીને લોકશાહીના મહાપર્વમાં હોમ વોટીંગની સુવિધા હોવા છતાં તેઓ તા. ૭ મે ના રોજ બુથ પર જઈને બીજા બધા મતદારોની જેમ જ મતદાન કરી લોકતંત્રના મહાઉત્સવમાં સહભાગી બનશે. આ બંને ખેલાડી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમનો જોમ અને જુસ્સો ચૂંટણીના મહાપર્વમાં લાખો મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આગામી તા. ૭ મે ના રોજ તમામ લોકો અવશ્ય મતદાન કરે એવા સંદેશ સાથે આપણી ગૌરવશાળી લોકશાહીને સશક્ત બનાવવા માટે અપીલ કરી છે.
લોકશાહીના મહાપર્વની ઉજવણીને હવે માત્ર ૨ દિવસ બાકી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં ૨૬- વલસાડ લોકસભા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ અભિયાનમાં દિવ્યાંગો પણ ખભે ખભા મિલાવી આ મહાઉત્સવમાં સામેલ થયા છે. સાઉથ આફ્રિકા, ઈંગ્લેંડ, દુબઈ અને શ્રીલંકામાં બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ટીમમાં શાનદાર પર્ફોમન્સ આપનાર ખેલાડી ગણેશ ઈશ્વરભાઈ મહુડકર (ઉ.વ.૩૫, રહે. ભોમતીપાડા, રાજપુરી જંગલ, ધરમપુર)ને લોકસભાની ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પીડબલ્યુડીના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કરાયા છે. ત્યારે આગામી ચૂંટણીમાં તમામ દિવ્યાંગો દ્વારા ૧૦૦ ટકા મતદાન થાય એવા પ્રયાસ એમના દ્વારા હાથ ધરાયા છે. ઈન્ટરનેશનલ ખેલાડી ગણેશ મહુડકરે જણાવ્યું કે, લોકશાહીના મહાપર્વમાં દેશના દરેક નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વિના મતાધિકારનો ઉપયોગ કરી જાગૃત નાગરિક તરીકે નૈતિક ફરજ બજાવે એ જરૂરી છે. આ મહાપર્વની ઉજવણીમાં જ્યારે તમામ લોકો સહભાગી થાય ત્યારે જ તેની સાર્થકતા કહેવાય. ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા હોય તો તેવા મતદારને હોમ વોટિંગની સુવિધા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. હું ૬૦ ટકા બ્લાઈડનેસ ધરાવુ છું પરંતુ તેમ છતાં હું તા. ૭ મે ના રોજ બુથ ઉપર જઈને જ મતદાન કરી લોકશાહીની ઉજવણીમાં સામેલ થવાનો ગર્વ અનુભવીશ. તમને બધાને પણ અપીલ છે કે, તમે પણ અવશ્ય મતદાન કરી આપણી ગૌરવવંતી લોકશાહીને વધુ મજબૂત બનાવશો. અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મેં બુથ ઉપર જઈને જ મતદાન કરી જાગૃત નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવ્યું છે ત્યારે દરેક મતદાર દેશ હિત માટે મતદાન કરે એ જરૂરી છે.
ફૂટબોલમાં રાજ્ય કક્ષાએ ખ્યાતિ મેળવનાર વલસાડ ડિસ્ટ્રીક્ટ આઈકોન અક્ષય અરવિંદભાઈ પટેલ (ઉ.વ.૩૧, રહે. નિશાળ ફળિયુ, કાજલી, વારોલી, તા. કપરાડા જિ.વલસાડ)એ એમ.એ., બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં વલસાડ નનકવાડા સ્થિત નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ સંસ્થામાં ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય કક્ષા સુધીની અનેક ફૂટબોલ મેચમાં સ્ટ્રાયકર તરીકે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અક્ષય પટેલે લોકશાહીના અવસરે જણાવ્યું કે, હું ૧૦૦ ટકા બ્લાઈડનેસ ધરાવુ છું પરંતુ લોકશાહીના પર્વની ઉજવણીમાં હુ મતદાનના દિવસે બુથ ઉપર જઈને જ મતદાન કરૂ છું. ખાસ કરીને આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરતા બુથ પર જઈ મતદાન કરવાનું સરળ બન્યું છે. જેથી લોકશાહીના મહાપર્વમાં બુથ પર જઈ મતદાન કરવાનો આનંદ જ અનેરો છે. આગામી તા. ૭ મી મેના રોજ હું તો મતદાન કરીશ, તમે પણ કરજો… કહી મતદાન માટે સૌને આહવાન કર્યું છે. નૈતિક ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરતા આ બંને પ્રજ્ઞાચક્ષુ યુવાનો તમામ મતદારો માટે પ્રેરણારૂપ બન્યા છે.