ગુજરાત એલર્ટ । વલસાડ
સમગ્ર દુનિયામાં તમામ મેન્યૂફેક્ટરીંગથી લઇ સર્વિસ ઇન્ડસ્ટ્રી હાલ ગ્રોથ કરે છે. જેમાં ભારતનો ગ્રોથ સૌથી વધુ છે. ભારતનો આ ગ્રોથ આગામી બે દાયકા સુધી આવો જ રહેશે. જેથી ભારતીય માર્કેટ હાલ રોકાણકારો માટે સર્વોત્તમ વિકલ્પ બન્યો છે. એવું વલસાડમાં ‘બાય ધ ફિયર’ સેમિનાર માટે આવેલા આઇઆઇએફએલ ઇન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર સંજીવ ભાસીને પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતુ.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના નાના શહેરોના લોકો સારી એવી બચત કરી શકે છે અને તેનું રોકાણ પણ કરી શકે છે. મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં મધ્યમ વર્ગીય લોકો માટે બચત કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે હવે નાના શહેરોના રોકાણકારોને રોકાણનું યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે તેઓ કાર્યરત છે.
ભારતના અર્થતંત્રના વિકાસ અને શેર માર્કેટ અંગે તેમણે જણાવ્યું કે, ભારતમાં કોરોના અગાઉ માત્ર 3 કરોડ ડિમેટ એકાઉન્ટ હતા. જે કોરોના બાદ 3 વર્ષમાં જ 14 કરોડથી વધી ગયા છે. જેના કારણે સ્થાનિક રોકાણકારોના કારણે શેરબજાર ટકી શકે છે. વિદેશી રોકાણકારો ભલે પોતાનું રોકાણ ખેચેં તો પણ તેની ઝાઝી અસર ભારતીય શેરબજારને થતી નથી. વલસાડમાં પ્રાઇમ ઇન્વેસ્ટમેન્ટના પ્રજ્ઞેશ દેસાઇએ શહેરના પ્રબુદ્ધ રોકાણકારો માટે એક સેમિનાર બાય ધ ફિયરનું આયોજન કર્યું હતુ. જેમાં રોકાણકારોને શેરમાર્કેટ આનુષાંગિક રોકાણોમાં થતા ડરને જ ખરીદી લેવાની વાતો થઇ હતી. જેમાં રોકાણકારોને યોગ્ય ફાયદો થાય એ રીતે રોકાણ કરવાનું સચોટ માર્ગદર્શન અપાયું હતુ. ખાસ કરીને બેંક એફડી સામે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ તેમજ અન્ય પ્રકારના બોન્ડ વિગેરેની વિસ્તૃત માહિતી અપાઇ હતી.