વલસાડ જિલ્લામાં પાંચ દિવસ હિટવેવની ચેતવણી, જિલ્લા-તાલુકા કક્ષાએ રેપીડ રીસ્પોન્સ ટીમ બનાવાઈ: હિટવેવની અસરને ઓછી કરવા તથા જાનમાલની નુકશાનીને અટકાવવા તકેદારીના પગલા લેવાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
આઈ.એમ.ડી. અમદાવાદ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા અને તાલુકા કક્ષાએ રેપિડ રીસ્પોન્સ ટીમ બનાવી હિટવેવ સમયે તકેદારીના પગલા અંગે આયોજન કરવામાં આવ્યું છે.
મે માસ ચાલુ થતા જ ધોમધખતો ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે ત્યારે આઈ.એમ.ડી. અમદાવાદ દ્વારા પણ હિટવેવની આગાહી કરાતા વલસાડ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની કમિટી બનાવાય છે. હિટવેવ એકશન પ્લાન/ એડવાઈઝરી મુજબ જિલ્લા નોડલ અધિકારી હિટવેવ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા નોડલ અધિકારી હિટવેવ અને તાલુકા આરોગ્ય અધિકારી સાથે સંકલન કરી હિટવેવની અસરને ઓછી કરવા તથા જાનમાલની નુકશાનીને અટકાવવા તકેદારીના પગલા લેવામાં આવશે. ઈમરજન્સી પરિસ્થિતિમાં સંપર્ક માટે જિલ્લા કક્ષાની એક રેપીડ રીસ્પોન્સ ટીમ અને તાલુકા કક્ષાની કુલ ૬ રેપીડ રીસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. એક ટીમમાં કુલ ૧૨ થી ૧૪ અધિકારી અને કર્મચારીનો સમાવેશ કરાયો છે. જેમાં બે મેડિકલ ઓફિસર, એક સુપરવાઈઝર, બે એમ.પી.એસ.એસ, ૩ એફએચડબલ્યુ, ૩ એમપીએચડબલ્યુ અને બે ડ્રાઈવરની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે બે વાહન પણ ફાળવાયા છે. જયારે જિલ્લા કક્ષાની રેપીડ રીસ્પોન્સ ટીમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ સહિત આરોગ્ય શાખા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સહિતના કુલ ૭ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!