ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત ૨૬-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય એવા આશય સાથે વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, વલસાડ ટર્ન આઉટ ઈમ્પ્લીમેંટેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી-વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વલસાડ જિલ્લાના સ્વિપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી. બી. વસાવાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વલસાડમાં માનવ સાકળ રચી બાઈક રેલી કાઢવામાં આવી હતી.
વલસાડ વિધાનસભા વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગુરુવારે સવારે ૮ કલાકે વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતે શહેરની આરજેજે સ્કૂલ, હાલર મુખ્ય શાળા, કુમાર કન્યા શાળા સહિતની વિવિધ સ્કૂલના ૧૪૦૦ વિદ્યાર્થીઓએ “અવસર”ની આકૃતિમાં માનવ સાંકળની રચના કરી તા. ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આ સાથે જ પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૨૦૮ શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેને મતદાન સ્વિપ નોડલ અધિકારીશ્રી ડી. બી. વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડો.બિપીનભાઈ પટેલ, બીઆરસી મિતેશભાઈ પટેલ અને બિપીનભાઈ તેમજ તાલુકા સંઘ પ્રમુખ રિતેશભાઈએ લીલી ઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી.
આ રેલી બાઇ આવાબાઈ શાળાના મેદાનથી વલસાડના વિવિધ વિસ્તારોમાં જય હિન્દ સર્કલ, શ્યામજી કૃષ્ણવર્મા સર્કલ, સ્ટેડિયમ રોડ, બાદ સ્ટેશન સર્કલ, ડી.એસ.પી ઓફિસ સર્કલ, તિથલ બીચ, પોસ્ટ ઓફિસ સર્કલ, જઈ અને પરત શાળાના મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલી દ્વારા વલસાડના જાહેર માર્ગો પર મતદાન જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યુ હતું.