ગુજરાત એલર્ટ । વલસાડ
લોકશાહીના મહાપર્વની ઉજવણીની શરૂઆત પોસ્ટલ બેલેટ અને હોમ વોટીંગથી થઈ ચૂકી છે ત્યારે તા.૨૯ એપ્રિલને સોમવારે ૨૬-વલસાડ બેઠક પર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
જે અનુસંધાને વલસાડના મોગરાવાડી સ્થિત પોલીસ હેડકવાર્ટર ખાતે ફેસીલીટેશન સેન્ટર પર હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયાની જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે મુલાકાત લીધી હતી. આ વેળા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું.
૧૭૯–વલસાડ બેઠક પર મોગરાવાડી પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, સાગર રક્ષક દળ અને ટીઆરબી સહિતના ૧૧૨૨ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જે દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, હાલ હોમ વોટીંગની પ્રક્રિયા પુરી થઈ છે.
ચૂંટણી ફરજમાં રોકાયેલા યુનિફોર્મધારી કર્મચારીઓ અને અધિકારીઓ તા.૭ મે ના રોજ મતદાનના દિવસે ફરજ પર તૈનાત હોવાથી તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરાયો છે. દરેક મતદારે અવશ્ય મતદાન કરવું.
ચૂંટણી કાર્ડ ન હોય તો મતદાન ન કરી શકાય તેવી ગેરમાન્યતાઓથી દૂર રહેવું. મતદાન કાર્ડ જનરેટ થઈ ગયું હોય પણ મળ્યું ન હોય તો તેની પ્રિન્ટ કાઢી લેવી અને સાથે ચૂંટણી કમિશને ૧૨ અલગ અલગ પૂરાવા માન્ય કર્યા છે, જેમાંથી કોઈ પણ પુરાવા માન્ય ગણાશે. આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે અવશ્ય મતદાન કરવું જોઈએ. વોટર ઈન્ફોર્મેશન સ્લીપ માત્ર માહિતી માટે છે. જેના ઉપયોગથી બુથ પર વધુ લાંબો સમય લાઈનમાં ઉભા રહેવુ નહીં પડે. મતદાન દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ પર પ્રતિબંધ છે. મતકુટિરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે. પોતાનો મતાધિકાર ન ચૂકી જવાય તેની વિશેષ કાળજી રાખવી.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં જિલ્લામાં મતદાન અંગેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન કરવું એ આપણા અધિકારની સાથે ફરજ પણ છે. દરેક મતદારે લોકશાહીના આ મહાપર્વમાં આગળ આવવું જોઈએ. તા. ૭ મે ના રોજ મતદાનના દિવસે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન કરી શકાશે.