ગુજરાત એલર્ટ । વલસાડ
વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ગણાતી ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં શરીરે ભલે અશક્ત હોય પરંતુ મનથી મક્કમ હોય એવા વલસાડ જિલ્લાના ૨૮૬ વરિષ્ઠ નાગરીકો યુવા મતદારોને નવી રાહ ચીંધી રહ્યા છે. આ જાગૃત મતદારોએ દાયકાઓ સુધી દેશ પ્રત્યે નૈતિક ફરજના ભાગરૂપે અત્યાર સુધીની ચૂંટણીઓમાં અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આપણી લોકશાહીને સમગ્ર વિશ્વમાં અદકેરૂ સ્થાન અપાવ્યું છે. તા. ૭ મે ના રોજ મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે એવા બે શતાયુ મહિલા મતદારોની વાત કરવી છે કે, જેમાં એક મતદાર ૧૦૬ વર્ષની વયે પણ જાતે મતદાન મથકે મતદાન કરવા જાય છે જ્યારે ૧૦૨ વર્ષના બીજા મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘર બેઠા મતદાન કરવાની આપેલી સવલતને બિરદાવી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણિયા ખાતે રેલવે ફળિયામાં રહેતા ૧૦૬ વર્ષના રતનબેન બહાદુરભાઈ પટેલના પતિ રેલવેમાં ફરજ બજાવતા હતા. તેમના નિધન બાદ રતનબેન આજે પણ પેન્શન લેવા દર મહિને બેંકમાં જાતે જ જાય છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં તેમણે મતદાન કર્યુ છે. વધતી જતી વયની સાથે તેમનું મનોબળ પણ વધુ મજબૂત થઈ રહ્યું છે. રતન બા નું માનવુ છે કે, મતદાન મથક પર જઈને મત આપવાથી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સામેલ થયા હોવાનો આનંદ માણી શકાય છે. હું યુવા મતદારોને પણ અપીલ કરૂ છું કે, એક દિવસ પોતાની આળસ ખંખેરી મતદાન મથક સુધી મતદાન કરવા અવશ્ય જવું અને આપણી ગૌરવશાળી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવુ. તા. ૭ મેના રોજ હું તો બુથ પર મતદાન કરવા આવીશ, તમે પણ મતદાન કરવા આવજો.
વરીષ્ઠ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી તકલીફોને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં ઘર બેઠા બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકે છે. આ સુવિધાનો લાભ લેનાર પારડીના વટાર ગામમાં તળાવ ફળિયા ખાતે રહેતા ૧૦૨ વર્ષીય ગજરાબેન હિરાભાઈ પટેલે હોમ વોટીંગની સુવિધાની સરાહના કરતા જણાવ્યું કે, અમારા જમાનાની તુલનાએ અત્યારનો જમાનો કેવો સારો આવ્યો છે, સાહેબો ઘરે બેઠા મત લેવા આવે છે, ઉંમરની અવસ્થાના કારણે મારાથી ચાલી શકાય તેમ નથી. ત્યારે આ સુવિધા મળતા ઘરે બેઠા મતદાન કરી શકી છું. ભર તડકામાં મતદાન કરવા માટે મતદાન મથક સુધી જવું પડતું નથી. ઘર બેઠા મત આપવાની સગવડ ખૂબ સારી છે. તેમણે લોકશાહીના આ મહાપર્વમાં અન્ય મતદારોને પણ જરૂરથી મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પૈકી કપરાડા બેઠક પર જિલ્લામાં સૌથી વધુ ૧૦૫ મતદારો એવા છે કે જેઓ ૧૦૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોવાનું મતદાર યાદીમાં નોંધાયું છે. જિલ્લામાં કુલ ૨૮૬ મતદારોમાં ૧૦૪ પુરૂષ અને ૧૮૨ મહિલા શતાયુ મતદાર તરીકે જિલ્લાની મતદાર યાદીમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવે છે.
વલસાડ જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા મતદારો