ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળો મતદાતાઓને વધુ મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતો, સસ્થાઓ, શાળાઓ અને ઇન્ડસ્ટ્રીઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તા. ૨૧ એપ્રિલને રવિવારના રોજ ૧૭૮-ધરમપુર વિધાનસભા ક્ષેત્રના માલનપાડા નવીનગરી ખાતે, ઉમરગામના સંજાણ બંદર, અણગામ, દહાડ, સોળસુંબા મોહનનગર, સરીગામ બોન્ડપાડા, પારસી એસોશિયેશન નારગોલ, પુનાટ, કામરવાડ અને કપરાડા ખાતેની ટેંભિ જેવી વિવિધ ચુનાવ પાઠશાળાઓમાં રંગોળી બનાવવાની સાથે સાથે મતદાન અંગે વિવિધ માહિતી આપી મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
સ્વીપ આંતર્ગતના મતદાર જાગૃતિ કાર્યક્રમ હેઠળ કપરાડા ખાતે મહિલા મતદાર જાગૃતિના કાર્યક્રમ થકી મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવી મતદાનની ફરજ પ્રત્યે માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની વિવિધ ઈન્ડસ્ટ્રીઓ જેવી કે ઉમરગામની સિટિઝન ઈન્ડસ્ટ્રી, ચંદન સ્ટીલ, હિન્દુસ્તાન પેન્સિલ કંપની અને અપાર ઈન્ડસ્ટ્રીમાં કામદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના હેતુસર અને મતદાનનું મહત્વ સમાજાવવામાં આવ્યું હતું.
ઉમરગામના નગવાસ ગામ, બોરીગામ ભગત ફળિયા, નવા તળાવ નારગોલ, પાવર હાઉસ, વાપીના ચણોદ ગામ ખાતેની કેબીએસ કોલેજ, વલસાડ તાલુકાના કચીગામ પ્રાથમિક શાળા ખાતે પણ મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ સાથે જ તેઓને મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહી તે ચેક કરવા, મતદાર કઈ તારીખે અને કયાં મતદાન કરવા જવાનું છે, બુથનું નામ અને નંબરથી માહિતગાર હોવા જોઈએ અને તા. ૭ મે ના રોજ મતદાન કરવા માટે રજા મળશે તે બાબતે માહિતી આપવામાં આવી હતી. કામદારોને ‘‘હું અવશ્ય મતદાન કરીશ’’ એ અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.