ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લામાં ત્રીજા તબક્કામાં આગામી તા.૦૭ મેના રોજ મતદાન થનાર છે. ‘‘મતદાન એ જ મહાદાન’’ના સૂત્રને સાર્થક કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જે માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સ્વીપ પ્રવૃતિ અંતર્ગત આયોજીત થતા કાર્યક્રમો હેઠળ ગામે ગામે ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને ચૂંટણી તંત્ર દિવ્યાંગ મતદારો અને હાટ બજારની મહિલાઓ પાસે પહોંચ્યુ છે. દિવ્યાંગ મતદાન જાગૃતિ હેઠળ ધરમપુર ૧૭૮- વિધાનસભા મતવિસ્તારમાં ઓછું મતદાન થયેલા એવા વાંકલ ગામ ખાતે ટર્ન આઉટ ઈમ્પ્લિટેશન પ્લાન અંતર્ગત પાંચ મુદ્દાની સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી શપથ લેવડાવી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. મતદાર જાગૃતિ નિમિત્તે દિવ્યાંગ તેમજ વૃદ્ધજનોને મતદાન કરવા માટે જાણકારી આપવામાં આવી હતી. કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે શનિવારે ભરાયેલા હાટ બજારમાં પણ મહિલાઓને મતદાન કરવા અને કરાવવા પ્રેરિત કરાયા હતા.