ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની તા. ૧૨ એપ્રિલથી તા. ૧૯ એપ્રિલ સુધીમાં ૧૦ ઉમેદવારોએ કુલ ૧૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ધવલ પટેલે ૪ અને ઉષાબેન પટેલે ૧, કોંગ્રેસના અનંત પટેલે ૪ અને રમેશ પાડવીએ ૧, બહુજન સમાજ પાર્ટીના પ્રવીણ પટેલે અને મનકભાઈ શાનકરે ૧ – ૧, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના જયંતિ શાળુંએ ૧, બહુજન રિપબ્લિકન સોશાયાલીસ્ટ પાર્ટીના ઉમેશ પટેલે ૧ તેમજ અપક્ષના રમણ પટેલ અને ચિરાગ પટેલે ૧-૧ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
ફોર્મ ચકાસણી કરવાના દિવસ તા.૨૦ એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી કરતા ૧૦ ઉમેદવારોના ૧૬ ઉમેદવારી પત્રોમાંથી ૦૩ ઉમેદવારી પત્ર અમાન્ય ઠર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉષાબેન પટેલ, કોંગ્રેસના રમેશભાઈ પાડવી અને બહુજન સમાજ પાર્ટીના પ્રવિણ પટેલનું ઉમેદવારી પત્ર અમાન્ય ઠર્યું હતું. બસપાના પ્રવિણ પટેલના ઉમેદવારી પત્રમાં ટેકેદારમાં ત્રણની જગ્યાએ માત્ર એક જ સહી હોવાથી અને પાર્ટીનું મેન્ડેટ પણ ન હોવાથી તેમનું પત્ર અમાન્ય ઠર્યું હતું. જેથી હાલ ૦૭ માન્ય ઉમેદવારોના ૧૩ ઉમેદવારી પત્ર માન્ય ગણવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તા.૨૨ એપ્રિલ હોવાથી આ દિવસે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ટકરાશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.