ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬ – વલસાડ(એસ. ટી.) સંસદીય મતવિસ્તારની ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વલસાડ બેઠક માટે નિમણુંક કરાયેલા જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા(આઇ.એ.એસ.), પોલીસ ઓબ્ઝર્વર શ્રીનાથ મહાદેવ જોશી (આઇ.પી.એસ) અને ખર્ચ ઓબ્ઝર્વર સંજયકુમાર (આઇઆરએસ)ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી અંગે કરાયેલી તૈયારીની સમીક્ષા કરી હતી.
૨૬- વલસાડ(એસ.ટી.) સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા તેમજ નોડલ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા(આઇ.એ.એસ.)એ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતે સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાની ચૂક પણ ન રહેવી જોઈએ. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપયોગી તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મતદાનના દિવસે મતદાન મથકોએ પાણી, મેડિકલ ટીમ, અધિકારી-કર્મીઓની રહેવા-જમવાની અને વાહન વ્યવહારની સુવિધા સુનિશ્ચિત કરવા જણાવી હિટવેવને અનુલક્ષીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ ઈચ્છનીય છે એમ કહ્યું હતું. વધુમાં તેમણે ઈવીએમ બાબતે ખૂબ જ સાવધાની રાખવા જણાવ્યું હતું. પોલીસ ઓબ્ઝર્વર શ્રીનાથ મહાદેવ જોશીએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ શેડો એરિયામાં મતદાનના દિવસે નેટવર્ક બાબતે માહિતી મેળવી જરૂરી સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ત્રણેય ઓબ્ઝર્વરઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તમામ કામગીરીથી વાકેફ કર્યા હતા તેમજ મતદાનના દિવસે સંભવિત હિટવેવ અંગે કરાયેલા આગોતરા આયોજન અંગે ચિતાર આપ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાએ પોલીસ બંદોબસ્ત, સંવેદનશીલ એરિયામાં ફલેગ માર્ચ, પાસાની કામગીરી, હથિયારોની જપ્તી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે જિલ્લાના મતદારોની પ્રોફાઈલ, ભૌગોલિક સ્થિતિ, વસ્તી, જેન્ડર રેશિયો, યુવા મતદારો, એપીક કાર્ડનું વિતરણ, ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઈઝેશન, પોલિંગ સ્ટાફની ડેટા એન્ટ્રી, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, પોસ્ટલ બેલેટ, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને કર્મીઓની તાલીમ, વેબ કાસ્ટીંગ, એફએસટી, એસએસટી, વીએસટી અને વીવીટીની કામગીરી અને કમ્પલેઈન્ટ મેનેજમેન્ટ સહિતની માહિતી પાવર પોઈંટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પૂરી પાડી હતી.
બેઠકમાં વિવિધ કમિટીઓના નોડલ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.