ગુજરાત એલર્ટ । વલસાડ
૧૯૮૧-૮૨ માં નિર્મિત અને એક સમયની વલસાડ જિલ્લાની સર્વશ્રેષ્ઠ બિલ્ડીંગ ગણાતી વલસાડની શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટરની બિલ્ડીંગ જર્જરીત થતાં ભોયભેગી કરી નાખવામાં આવી હતી. જેની નવીનીકરણની પ્રક્રિયા સમયસર કરવામાં વલસાડ નગરપાલિકા નિષ્ફળ જતાં શ્રી મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના વેપારીઓના એસોસિયેશની મિટિંગ એસોસિયેશનના પ્રમુખ વિજય ગોયલનાં પ્રમુખસ્થાને તથા અગ્રણી વેપારી નવીનભાઈ પસ્તાગિયાની વિશેષ ઉપસ્થિતમાં મળી હતી. જેમાં ઉપસ્થિત વેપારીઓઓએ બાંધકામમાં થઈ રહેલાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
એસોસિયેશનના મંત્રી અરૂણ ત્રિપાઠી અને તમામ વેપારીઓ આ બાબતે એસોસિયેશનના વકીલની સલાહ લઈને કાનુની પ્રકિયા પર આગળ વધવા પર ભાર મૂક્યો હતો. નગરપાલિકા દ્વારા આર્થિક વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ ગયાની સ્થિતિ અંગે રજૂઆત માટે પાંચ સદસ્યો વાળુ એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે તા.૧૨/૪/૨૦૨૪ નાં રોજ વલસાડ કલેકટરને મળી લેખિત રજુઆત કરશે. ત્યારબાદ વેપારીઓ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને મળી વિગતવાર ચર્ચા વિચારણા કરશે.
આ તમામ પ્રયાસો કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવે તો એસોસિયેશનના વકીલની સલાહ પ્રમાણે હાઈકોર્ટેમાં જવાનાં વિકલ્પ પર ઉપસ્થિત તમામ વેપારીઓ એકમત હતાં.