કોરોના હોમ આઇસોલેશનનાં દર્દીઓને વિડીયો કોલિંગ કરી ખાત્રી કરવાં વલસાડ કલેકટરનો આદેશ

હોમ આઇસોલેશનમાં રહેતા કોરોનાના દર્દીઓ ઘરે બેસતાં ન હોવાની ઉઠેલી ફરિયાદોને કારણે આદેશ કરાયો: આવાં દર્દીઓ બીજાના માટે જોખમ બની રહ્યાં છે.

સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટરશ્રી જયોતિબા ગોહિલને તેઓની સ્‍કવોર્ડ દ્વારા જિલ્લામાં ઠેરઠેર આકસ્‍મિક ચેકિંગ કરી કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનો ભંગ થતો હોય ત્‍યાં કાર્યવાહી કરવા જણાવ્‍યું.

વલસાડ, વાપી, પારડી અને ધરમપુરના ચીફ ઓફિસરોને વોર્ડવાઇઝ વેકસીનેશન સેન્‍ટરો ઊભા કરવા જણાવ્યું.

વલસાડ
હોમ આઇસોલેશનમાં રહેતા કોરોનાના દર્દીઓ ઘરે બેસતાં ન હોવાની ઉઠેલી ફરિયાદોને કારણે કોરોનાના જે દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોય તેવા દર્દીઓની ખાતરી કરવા અને આ દર્દીઓ સાથે આકસ્‍મિક વિડીયો કોલિંગ કરીને તેઓ કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી કરવા વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલે આદેશ કર્યો હતો.
રાજ્‍ય અને જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી વલસાડ કલેક્‍ટર શ્રી આર.આર.રાવલે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી રાવલે અમલીકરણ અધિકારીઓને તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેક્‍ટરશ્રીએ કોવિદ-૧૯ની માંર્ગદર્શિકાનો દરેક સરકારી કચેરીઓમાં કડક પાલન થાય તેનું કચેરીના વડાએ ઘ્‍યાન રાખવાનું રહેશે આ ઉપરાંત દરેક કચેરીમાં અરજદારોએ તેમના કામ ડીજીટલ માધ્‍યમથી કરવા, જયાં જરૂરી હોય એવા તાકદીના કામ સિવાય અરજદારોએ કચેરીમાં આવવું નહીં, એવી નોટીસ કચેરીના નોટીસબોર્ડ પર લગાવવા જણાવ્‍યું હતું. વધુમાં જે સરકારી કચેરીઓમાં સમયાંતરે સેનેટાઇઝ કરવાની જરૂર હોય તે સરકારી કચેરીમાં સેનીટાઇઝેશન કરાવી લેવા, સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટરશ્રી જયોતિબા ગોહિલને તેઓની સ્‍કોર્ડ દ્વારા જિલ્લામાં ઠેરઠેર આકસ્‍મિક ચેકિંગ કરી કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનો ભંગ થતો હોય ત્‍યાં કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.
કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી રક્ષણાત્‍મક પગલા લેવા માટે સીવીલ હોસ્‍પિટલ વલસાડના સીવીલ સુપ્રિટેન્‍ડન્‍ટને સીવીલ હોસ્‍પિટલ વલસાડ ખાતે દર્દીઓ માટે જરૂરી બેડની વ્‍યવસ્‍થા કરવા અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલને કોરોના કેસના પરીક્ષણ માટે જરૂરી એન્‍ટીજન ટેસ્‍ટની કીટ, આર. ટી. પી. સી. આર. કીટ ની વ્‍યવસ્‍થા કરવા તેમજ વલસાડ મ્‍યુનિસિપલ હોસ્‍પિટલ અને વાપીની કામદાર રાજય વીમા યોજના હોસ્‍પિટલમાં જરૂરી કોવિડ સેન્‍ટર ઊભા કરવા જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ બેઠકમાં જણાવ્‍યું હતું.
જિલ્લાના શહેરી વિસ્‍તારોમાં કોરોના વેકસીનેશન વધુ થાય તે માટે કલેકટરશ્રી રાવલે વલસાડ, વાપી, પારડી અને ધરમપુરના ચીફ ઓફિસરોને વોર્ડવાઇઝ વેકસીનેશન સેન્‍ટરો ઊભા કરવા માટે જરૂરી ટીમની રચના કરી તેમને કામગીરીના હુકમો આપવાની સાથોસાથ ધન્‍વંતરી રથની સેવા પણ નાગરિકોને મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. નગરપાલિકા વિસ્‍તારમાં ડોર ટુ ડોર સર્વે કરવા પણ ચીફ ઓફિસરોને જણાવ્‍યું હતું.
બેઠકમાં જિલ્‍લાના ઔદ્યોગિક એકમોમાં એસ.ઓ.પી.નું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે જિલ્લાના જી.આઇ.ડી.સી.ના અધિકારીઓને જણાવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, નિવાસી બી.કે.વસાવા, અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટર જયોતિબા ગોહિલ, વલસાડ પ્રાયોજના વહીવટદાર બી.કે. વસાવા, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર જગુભાઇ વસાવા, વાપીના ચીફ ઓફિસર દર્પણ ઓઝા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા અને પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!